29 June, 2025 06:35 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
લૉ કૉલેજની સ્ટુડન્ટ પર કૉલેજના પરિસરમાં જ ગૅન્ગરેપ : ત્રણની ધરપકડ
સાઉથ કલકત્તામાં ૨૪ વર્ષની લૉ સ્ટુડન્ટ પર કૉલેજ પરિસરમાં ગૅન્ગરેપ કરવાના આરોપસર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ૩૧ વર્ષનો મનોજિત મિશ્રા છે જે કૉલેજનો કર્મચારી છે તેમ જ પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કૉન્ગ્રેસની સ્ટુડન્ટ પાંખ તૃણમૂલ કૉન્ગ્રેસ છાત્ર પરિષદ (TMCP)નો સાઉથ કલકત્તા ડિસ્ટ્રિક્ટનો વર્તમાન જનરલ સેક્રેટરી છે. બીજા આરોપીઓમાં બે સ્ટુડન્ટમાં ૧૯ વર્ષના ઝૈબ અહમદ અને ૨૦ વર્ષના પ્રમિત મુખરજીનો સમાવેશ છે.
એ સ્ટુડન્ટ બુધવારે બપોરે ૧૨ વાગ્યે પરીક્ષા સંબંધી ફૉર્મ ભરવા કૉલેજ આવી હતી. તેની ફરિયાદ મુજબ તે શરૂઆતમાં કૉલેજ યુનિયન રૂમમાં બેઠી હતી. ત્યાર બાદ મુખ્ય આરોપી મનોજિત મિશ્રાએ મુખ્ય કૉલેજ-ગેટને તાળું મારવાનો નિર્દેશ આપ્યો હતો અને કૅમ્પસમાં સુરક્ષાગાર્ડની રૂમમાં બળાત્કાર કર્યો હતો. ગુરુવારે સાંજથી મોડી રાત સુધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.
કલકત્તામાં આર. જી. કાર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ૬ મહિના પહેલાં ૩૧ વર્ષની મેડિકલ સ્ટુડન્ટ પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી અને એ ઘટના બાદ આ ઘટના બની હતી, જેને કારણે શહેર અને દેશવ્યાપી વિરોધ થયો હતો.
કલકત્તા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘તબીબી તપાસમાં સ્ટુડન્ટે મૂકેલા આરોપોની પુષ્ટિ થઈ હતી અને તેના શરીર પર બળજબરી કરવાના, બાઇટ કરવાના અને નખ મારવાના પુરાવા મળ્યા હતા.
સ્ટુડન્ટે વર્ણવી યાતના
આ લૉ કૉલેજ સ્ટુડન્ટે આરોપ લગાવ્યો હતો કે મિશ્રાએ તેને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેણે ઇનકાર કર્યો અને ગુસ્સે થઈને કહ્યું કે તેનો એક બૉયફ્રેન્ડ છે. પોલીસ સમક્ષ બળાત્કારની ઘટનાની યાતના વર્ણવતાં તેણે કહ્યું હતું કે આરોપીએ તેને બળજબરીથી રૂમમાં બંધ કરી દીધી. તેને અને તેના બૉયફ્રેન્ડને મારી નાખવાની અને તેનાં માતાપિતાની ધરપકડ કરવાની ધમકી આપી હતી.
આ કૉલેજની યુવતીએ એ સમયે આરોપીના પગ પકડ્યા હતા છતાં તેને જવા દેવામાં આવી નહોતી. આરોપીઓ તેને બળજબરીથી સુરક્ષાગાર્ડની રૂમમાં લઈ ગયા હતા અને તેનાં કપડાં ઉતારીને બળાત્કાર કરવાનું શરૂ કર્યું હતું. તેને તૃણમૂલ કૉન્ગ્રેસની સ્ટુડન્ટ પાંખ એકમ પ્રત્યે વફાદારી સાબિત કરવા કહેવામાં આવ્યું હતું.
ફરિયાદમાં સ્ટુડન્ટે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓએ બળાત્કારનો વિડિયો રેકૉર્ડ કર્યો હતો અને જો તે સહકાર નહીં આપે તો એ વિડિયો લીક કરવાની ધમકી આપી હતી. તેણે પ્રતિકાર કરવાનો અને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ તેને હૉકી-સ્ટિકથી મારવાનો પ્રયાસ કર્યો ત્યારે જેમાં તે ઘાયલ થઈ હતી.
તબીબી તપાસમાં તેના પર સામૂહિક બળાત્કાર થયો હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.