રાહુલ ગાંધી, હેમા માલિની, શશી થરૂર, ઓમ બિરલા, અરુણ ગોવિલ આજના સ્ટાર ઉમેદવારો

26 April, 2024 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૬ કરોડ મતદારો ૧૧૯૮ ઉમેદવારોનું ભા​વિ નક્કી કરશે : કેરલાની તમામ ૨૦ બેઠકનું એકસાથે મતદાન : ઉત્તર પ્રદેશના એક ઉમેદવારનું મૃત્યુ થવાથી હવે ત્રીજા તબક્કામાં ૭ મેએ મતદાન થશે

રાહુલ ગાંધી, હેમા માલિની, શશી થરૂર, ઓમ બિરલા, અરુણ ગોવિલ

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૮૮ બેઠકો પર આજે મતદાન થશે. આ તબક્કામાં ૮૯ બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્ય પ્રદેશની બૈતુલ બેઠકના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારનું અવસાન થવાથી હવે આ બેઠક પર ૭ મેએ ત્રીજા તબક્કામાં મતદાન થશે. આજની બેઠકોમાં આસામની ૧૪માંથી પાંચ, બિહારની ૪૦માંથી પાંચ, છત્તીસગઢની ૧૧માંથી ૩, કર્ણાટકની ૨૮માંથી ૧૪, કેરલાની તમામ ૨૦, મધ્ય પ્રદેશની ૨૯માંથી ૭, મહારાષ્ટ્રની ૪૮માંથી ૮, મ​ણિપુરની બેમાંથી એક, રાજસ્થાનની ૨૫માંથી ૧૩, ત્રિપુરાની બેમાંથી એક, ઉત્તર પ્રદેશની ૮૦માંથી ૭ અને પશ્ચિમ બંગાળની ૪૨માંથી ૩ બેઠક ઉપરાંત કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરની પાંચમાંથી એક બેઠકનો સમાવેશ થાય છે. આ ૮૮ બેઠક પર એક તૃતીયપંથી, ૧૦૦ મહિલાઓ અને ૧૦૯૭ પુરુષો મળીને કુલ ૧૧૯૮ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે જેમનું ભા​વિ ૧૬ કરોડ મતદારો ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં બંધ કરશે.

આ તબક્કાની હૉટ સીટો

વાયનાડ : કેરલાની વાયનાડ બેઠક પર કૉન્ગ્રેસના રાહુલ ગાંધી, BJPના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રન અને CPIના મહાસચિવ ડી. રાજાનાં પત્ની ઍની રાજા મેદાનમાં છે. ત્રિકોણિયા જંગમાં ગયા વખતના વિજેતા રાહુલ ગાંધીને ટફ ફાઇટ મળવાની છે.

તિરુવનંતપુરમ : કેરલાની આ બેઠક પર ત્રણ વારના કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરનો મુકાબલો BJPના કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર સામે છે. ચંદ્રશેખર ૨૦૦૬થી રાજ્યસભાના મેમ્બર છે. તેમનો જન્મ અમદાવાદમાં થયો છે, પણ તેમનું પૈતૃક ઘર કેરલાના થ્રિસૂર જિલ્લામાં છે.

કોટા : રાજસ્થાનની કોટા બેઠક પર BJPના ઉમેદવાર લોકસભાના સ્પીકર ઓમ બિરલા છે. તેઓ બે વાર આ બેઠક પર જીત મેળવી ચૂક્યા છે. કૉન્ગ્રેસે પ્રહ્લાદ ગુંજલને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ મૂળ BJPના છે અને ૪૦ વર્ષથી BJPના કાર્યકર છે અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયાના નિકટના કાર્યકર છે. BJPએ ટિકિટ નહીં આપતાં તેઓ કૉન્ગ્રેસમાં ગયા છે.

મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠમાં BJPના અરુણ ગોવિલ સામે SPનાં ઉમેદવાર સુનીતા વર્મા છે. ૭૨ વર્ષના અરુણ ગોવિલે ‘રામાયણ’ સિરિયલમાં રામની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ સુનીતા વર્મા ભૂતપૂર્વ વિધાનસભ્ય યોગેશ વર્માનાં પત્ની છે. ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે તેમને ટિકિટ ફાળવવામાં આવી હતી.

મથુરા : ઉત્તર પ્રદેશના મથુરામાં BJPનાં ઉમેદવાર પ્રસિદ્ધ ઍક્ટ્રેસ હેમા માલિની છે. તેઓ ૨૦૧૪ અને ૨૦૧૯માં આ બેઠક પર જીત મેળવી ચૂક્યાં છે. તેમની સામે BSPના સુરેશ સિંહ છે. તેઓ રિટાયર્ડ સરકારી અધિકારી છે. તેઓ EDના ડેપ્યુટી ડિરેક્ટર રહી ચૂક્યા છે.

માંડ્યા : કર્ણાટકની આ બેઠક પર બે અમીર ઉમેદવારોનો મુકાબલો છે. જનતા દળ સેક્યુલર (JDS) BJPનો સાથી પક્ષ છે અને તેમણે અહીં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીને ઉમેદવાર બનાવ્યા છે. તેમની સંપત્તિ ૨૧૭ કરોડ રૂપિયા છે. સામા પક્ષે કૉન્ગ્રેસે વેન્કટરમણા ગૌડાને મેદાનમાં ઉતાર્યા છે અને તેઓ કૉન્ટ્રૅક્ટર છે. તેમની કુલ સંપત્તિ ૬૨૩ કરોડ રૂપિયા છે.

૩૩ ટકા ઉમેદવારો કરોડપતિ

બીજા તબક્કાની ૮૮ લોકસભા બેઠકના ૧૧૯૮ ઉમેદવારોમાંથી ૩૯૦ એટલે કે ૩૩ ટકા ઉમેદવારો કરોડપ​​તિ છે. તેમની પાસે એક કરોડ રૂપિયાની વધુ સંપત્તિ છે. આ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૫.૧૭ કરોડ રૂપિયા છે. ૬ ઉમેદવારોએ તેમની સંપત્તિ ઝીરો હોવાનું કહ્યું છે તો ત્રણ ઉમેદવારો પાસે માત્ર ૩૦૦થી ૧૦૦૦ રૂપિયા જ છે.

Lok Sabha Election 2024 rahul gandhi hema malini shashi tharoor Arun Govil india national news