ઇન્દોરમાં સરકારી અધિકારી પાસે ૧૧ કરોડ રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવી?

13 June, 2026 11:06 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

પત્નીએ સિલાઈકામ કરીને પૈસા કમાયા હોવાનો કર્યો હાસ્યાસ્પદ દાવો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં લોકાયુક્ત દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. મહિલા અને બાળવિકાસ વિભાગના જૉઇન્ટ ડિરેક્ટર લક્ષ્મીનારાયણ કંડવાલના ઘર, જિમ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર સહિતનાં વિવિધ ઠેકાણાંઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન આ સરકારી અધિકારી અને તેમના પરિવારની કુલ ૧૧ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતનો ખુલાસો થયો છે.

લોકાયુક્તની પૂછપરછમાં જ્યારે આવક અને ખર્ચ વચ્ચેના આ આભ-જમીનના તફાવત અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે ૬૧ વર્ષના અધિકારીએ હાસ્યાસ્પદ તર્ક આપ્યો હતો. તેમણે દાવો કર્યો કે તેમની પત્ની ઘરે સિલાઈ-વણાટનું કામ કરે છે અને આ કરોડોની સંપત્તિ એમાંથી જ કમાઈ છે. હાલ તો તેમનાં તમામ ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે.

લક્ષ્મીનારાયણ કંડવાલની કુલ જ્ઞાત અને કાયદેસરની આવક ૨.૮ કરોડ રૂપિયા (૨.૫ કરોડ રૂપિયા પગાર અને ૩૦ લાખ કૃષિ આવક) હતી. એની સામે તેમણે ૧૧ કરોડ રૂપિયા વાપરી નાખ્યા છે. ૬ મહિના બાદ આ અધિકારી રિટાયર થવાના છે. 

madhya pradesh indore anti corruption bureau national news news