03 January, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલનો સુપરમૂન
ઈશુના નવા અંગ્રેજી વર્ષ ૨૦૨૬નું આગમન થઈ ચૂક્યું છે અને નૂતન વર્ષના આકાશને વધાવવા આજે પોષી પૂનમના દિવસે નભોમંડળમાં વુલ્ફ મૂનનો રોમાંચક નજારો જોવા મળશે.
આ વરુ ચંદ્ર દરમ્યાન સતત ત્રણ દિવસ સુધી પૂર્ણ ચંદ્ર તરીકે જોઈ શકાશે.
સામાન્ય રીતે જાન્યુઆરીના આ દિવસો દરમ્યાન સંખ્યાબંધ સ્થળોએ બરફનાં તોફાનો સર્જાતાં હોય છે જેને કારણે વરુઓ ખોરાકના અભાવે ભૂખથી ટળવળતાં હોય છે. આ ભૂખ્યાં વરુઓને ખોરાક પૂરો પાડતા રહેવાની ‘અલર્ટ’ તરીકે આ ચંદ્રમાને વુલ્ફ મૂન નામ અપાયું છે. વુલ્ફ મૂન પૃથ્વીથી એ ભ્રમણકક્ષામાં પ્રમાણમાં નજીક રહેતો હોવાથી એ એકદમ ઝળહળતો, કદમાં મોટો અને નજીક હોય એવો દેખાય છે. આ વખતે આ સુપરમૂન શનિવારે ઉદય પામશે અને એની અસર હેઠળ શુક્રવારથી જ ચંદ્રનું તેજ વધી ગયું છે. આ વખતે ચંદ્ર સુપરમૂન હશે અને એ ગુરુના ગ્રહ પરથી પસાર થશે એને કારણે એક અદ્ભુત માહોલ સર્જાશે.
દુનિયાભરના ખગોળરસિકો આ વુલ્ફ-ચંદ્ર જોવા તલપાપડ બન્યા છે.
હવે પછી આવો સુપરમૂન નવેમ્બર ૨૦૨૬માં જોવા મળશે. આજે ચંદ્ર એની ભ્રમણકક્ષામાં પૃથ્વીથી સામાન્ય કરતાં લગભગ ૧૦,૦૦૦ કિલોમીટર નજીક રહેશે જેથી એ ૧૪ ટકા કદમાં મોટો અને ૩૦ ટકા વધુ પ્રકાશિત જોવા મળશે.
પોષી પૂનમનો દિવસ, માતા અંબાના પ્રાગટ્ય દિન તરીકે ઊજવાય છે.
ઉલ્લેખનીય છે કે મિત્ર-ખેડૂતોની ટોળકીએ પૂનમના ચંદ્રને છેક ઈ. સ ૧૯૩૦થી જુદાં-જુદાં નામ આપવાનું શરૂ કર્યું હતું અને જાન્યુઆરીના પૂર્ણ ચંદ્રને વુલ્ફ મૂન નામ અપાયું હતું. યુરોપના દેશોમાં આ ચંદ્રને આઇસ મૂન અથવા ઓલ્ડ મૂન તરીકે પણ ઓળખાય છે.
આ ઉપરાંત આ પૂર્ણ ચંદ્ર થિરરુવથીરાય ઉત્સવ તરીકે પણ ઊજવાય છે અને આ ઉત્સવ કેરલા અને તામિલનાડુમાં રહેતા હિન્દુઓ ખાસ ઊજવે છે. પોષી પૂનમને શ્રીલંકામાં દુરુથુપોયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધે શ્રીલંકાની પ્રથમ વખત મુલાકાત લીધી હતી.
આ દિવસે વુલ્ફ મૂન જોવાનો લહાવો લેવાનું ચૂકતા નહીં.