05 July, 2025 07:53 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
જમાલુદ્દીન ઉર્ફે ચાંગુરબાબા
ઉત્તર પ્રદેશના લખનઉમાં ગુરુવારે ૧૨ લોકોએ ઘરવાપસી કરી હતી અને ઇસ્લામથી હિન્દુ ધર્મમાં પાછા આવ્યા હતા. એમાંથી કેટલાકને લવ જેહાદમાં લલચાવીને ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું, જ્યારે કેટલાકને પૈસાની લાલચ આપીને અથવા વિદેશમાં નોકરી અપાવવાનાં ખોટાં વચન આપીને ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં ઘરવાપસી કરનારાઓએ બલરામપુરના જમાલુદ્દીન ઉર્ફે ચાંગુરબાબાનું નામ લેતાં હવે ઉત્તર પ્રદેશની ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) તેની તલાશ કરી રહી છે. ATSએ ચાંગુરબાબા અને તેના પુત્ર મેહબૂબ સહિત ૧૦ લોકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. પોલીસની કાર્યવાહીથી બચવા માટે ચાલાક ચાંગુરબાબાએ પોતાના નજીકના મિત્ર નવીન રોહરાને તેના પરિવાર સાથે ધર્મપરિવર્તન કરાવ્યું અને પછી તેનું નામ જમાલુદ્દીન રાખ્યું. બાબા સાથે ઇસ્લામ સ્વીકારનાર નવીન રોહરા ઉર્ફે જમાલુદ્દીનનું નામ પણ ATSના FIRમાં છે.
FIR નોંધાયા પછી ATSએ જમાલુદ્દીન ઉર્ફે ચાંગુરબાબાના પુત્ર મેહબૂબ અને નવીન રોહરા ઉર્ફે જમાલુદ્દીનની ધરપકડ કરી હતી, પરંતુ પુત્ર અને નજીકના મિત્ર જમાલુદ્દીનની ધરપકડ બાદ ચાંગુરબાબા ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. હવે ATS ચાંગુરબાબાને શોધી રહી છે.
નવેમ્બર ૨૦૨૪માં ગેરકાયદે ધર્મપરિવર્તનના કેસમાં ATS દ્વારા FIR નોંધવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે ચાંગુરબાબા ધર્મપરિવર્તન કરાવવા માટે મોટું કૌભાંડ ચલાવી રહ્યો છે. એ માટે તેને વિદેશથી કરોડો રૂપિયાનું ભંડોળ મળી રહ્યું છે. ગરીબ, મજૂરો અને લાચાર લોકોને લાલચ આપીને ધર્મપરિવર્તન માટે નિશાન બનાવવામાં આવતા હતા અને જો તેઓ સંમત ન થાય તો પોલીસ-સ્ટેશન અને કોર્ટ દ્વારા નકલી કેસ દાખલ કરીને તેમને હેરાન કરવામાં આવતા હતા.
એટલું જ નહીં, વિવિધ જાતિની છોકરીઓને ધર્માંતરણ કરાવવા માટે લાવવા અલગ-અલગ દર નક્કી કરવામાં આવ્યા હતા. બ્રાહ્મણ, સરદાર અને ક્ષત્રિય છોકરીઓને ઇસ્લામ સ્વીકારવા બદલ ૧૫થી ૧૬ લાખ રૂપિયા, પછાત જાતિની છોકરીઓને ૧૦થી ૧૨ લાખ રૂપિયા અને અન્ય જાતિની છોકરીઓને ૮થી ૧૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવનારા લોકોમાં માંડવી શર્મા, માલતી, એલેના અન્સારી અને સોનુ રાનીનો સમાવેશ છે. તેમણે મીડિયા સામે ચાંગુરબાબાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે કેવી રીતે બાબા લોકોને લવ જેહાદમાં ફસાવીને ધર્માંતરણ કરાવતો હતો.