મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવના કાફલાની ૧૯ કારોમાં પાણીમિશ્રિત ડીઝલ ભરવામાં આવ્યું

28 June, 2025 01:10 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

ગુરુવારે રાતે ૧૦ વાગ્યે આ વાહનોમાં ધોસી ગામ નજીક ભારત પેટ્રોલિયમના શક્તિ ફ્યુઅલ્સ નામના પમ્પ પર ડીઝલ ભરવામાં આવ્યું હતું. થોડું અંતર કાપ્યા પછી બધાં વાહનો અચાનક બંધ થઈ ગયાં.

મુખ્ય પ્રધાન મોહન યાદવનાં વાહનોના કાફલામાં રહેલી ૧૯ કારમાં પાણીમિશ્રિત ડીઝલ ભરવાનો મામલો પ્રકાશમાં આવ્યો

મધ્ય પ્રદેશના રતલામમાં ગઈ કાલે શરૂ થયેલા મધ્ય પ્રદેશ રીજનલ ઇન્ડસ્ટ્રી, સ્કિલ ઍન્ડ એમ્પ્લૉયમેન્ટ કૉન્ક્લેવ (RISE-રાઇઝ) ૨૦૨૫માં હાજરી આપવા માટે આવી રહેલા મુખ્ય પ્રધાન મોહન યાદવનાં વાહનોના કાફલામાં રહેલી ૧૯ કારમાં પાણીમિશ્રિત ડીઝલ ભરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગુરુવારે રાતે ૧૦ વાગ્યે આ વાહનોમાં ધોસી ગામ નજીક ભારત પેટ્રોલિયમના શક્તિ ફ્યુઅલ્સ નામના પમ્પ પર ડીઝલ ભરવામાં આવ્યું હતું. થોડું અંતર કાપ્યા પછી બધાં વાહનો અચાનક બંધ થઈ ગયાં.

મુખ્ય પ્રધાનના કાફલાનાં વાહનોમાં ખામી હોવાની માહિતી મળતાં જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યારે બધાં વાહનોની ફ્યુઅલ ટૅન્ક ખાલી કરવામાં આવી ત્યારે એમાં ડીઝલ અને પાણી નીકળ્યું હતું. આના કારણે ભારે હંગામો મચી ગયો હતો. પેટ્રોલ પમ્પ પર વાહનોની ટાંકી ખોલવાથી પમ્પના બદલે એ ગૅરેજ હોય એવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ૨૦ લીટર ડીઝલ ભરેલું હતું એવાં વાહનોમાંથી લગભગ ૧૦ લીટર પાણી નીકળ્યું હતું. કેટલાક અન્ય ટ્રક-ડ્રાઇવરો પણ આવી જ ફરિયાદ સાથે પેટ્રોલ પમ્પ પર પહોંચ્યા હતા.

વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરીને સંબંધિત પેટ્રોલ પમ્પને સીલ કરી દીધો હતો અને મુખ્ય પ્રધાનના કાર્યક્રમમાં કોઈ અવરોધ ન આવે એ માટે ઇન્દોરથી નવાં વાહનોની વ્યવસ્થા કરી હતી. સંબંધિત પેટ્રોલ પમ્પ શક્તિ ફ્યુઅલ્સ ઇન્દોરનાં રહેવાસી શક્તિના પતિ એચ. આર. બુંદેલાના નામે નોંધાયેલો છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ ભારત પેટ્રોલિયમના એરિયા-મૅનેજર શ્રીધરને ફોન કર્યો  હતો.

madhya pradesh Mohan Yadav national news news