28 March, 2025 11:02 AM IST | Ujjain | Gujarati Mid-day Correspondent
ઉજ્જૈનમાં બાબા મહાકાલને ગરમીથી બચાવવા ભસ્મ આરતી બાદ ૧૧ નદીઓનાં પવિત્ર જળથી જળાભિષેક
મધ્ય પ્રદેશના ઉજ્જૈનસ્થિત મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલને ગરમીથી બચાવવા માટે ભસ્મ આરતી બાદ ૧૧ નદીઓનાં પવિત્ર જળથી જલાભિષેક શરૂ કરવામાં આવશે જે સંધ્યા આરતી સુધી સતત જારી રહેશે.
આ મુદ્દે મંદિરના પૂજારી પંડિત મહેશ શર્માએ જણાવ્યું હતું કે ૧૩ એપ્રિલથી બે મહિના સુધી આ જળાભિષેક જારી રહેશે. આ માટે મંદિરના ગર્ભગૃહમાં વિવિધ નદીઓનાં જળથી ભરેલી મટકીઓ લટકાવવામાં આવશે જે મહાકાલ પર સતત જળાભિષેક કરશે. ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સરયૂ, કાવેરી, ગોદાવરી, મહાનદી, શિપ્રા અને બ્રહ્મપુત્ર જેવી નદીઓમાંથી પવિત્ર જળ ઉજ્જૈન લાવવામાં આવશે.
બાબા મહાકાલનો અભિષેક ચાંદીના કળશમાંથી નીકળતા જળથી કરવામાં આવે છે, પણ ઉનાળાના બે મહિનામાં ચાંદીના કળશ ઉપરાંત માટીના ઘડાના પાણીથી પણ અભિષેક થતો રહેશે.
શા માટે નદીઓનાં જળથી અભિષેક?
ભગવાન શિવ કૈલાસ પર નિવાસ કરે છે અને ત્યાં ચારેતરફ બરફ હોવાથી શીતળતા રહે છે. બાબા મહાકાલને ઉનાળામાં ગરમી ન લાગે એ માટે ૧૧ મટકી લગાવીને સતત બે મહિના માટીના ઘડામાંથી પાણી દ્વારા જળાભિષેક થશે જેની પૂર્વતૈયારી શરૂ થઈ ચૂકી છે. દર વર્ષે આ પરંપરા નિભાવવામાં આવે છે. ઠંડીના દિવસોમાં બાબા મહાકાલને ગરમ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને ગર્ભગૃહમાં હીટર રાખવામાં આવે છે.