28 March, 2026 10:50 AM IST | Sangli | Gujarati Mid-day Correspondent
નરાધમ બાપે બે દીકરીઓને આખી રાત ઊંધે માથે લટકાવી
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક સંબંધીના ઘરેથી પૈસા ચોરવાની શંકામાં સગા પિતાએ તેની બે દીકરીઓને ઘરમાં ઊંધી લટકાવી દીધી હતી. આખી રાત એવી જ ત્રાસદાયક સ્થિતિમાં રહેવાને કારણે તેમાંની એક છોકરીનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગુરુવારે ડૉક્ટરોએ રુતુજાના મૃત્યુની જાણ પોલીસને કરી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.
આ અરેરાટીભરી ઘટનાની માહિતી આપતાં એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ઘટનાના આરોપી દાદુ ઉર્ફ નાના યમગરને શંકા હતી કે બન્ને છોકરીઓએ તેમના એક સંબંધીના ઘરેથી પૈસા ચોર્યા છે એટલે તેણે તેની બન્ને દીકરીઓ રુતુજા અને અનુજાને છત નીચે તેમના ઘરની દીવાલ પર લગાડેલા લોખંડના ઍન્ગલ સાથે હાથ અને પગ બાંધીને ઊંધી લટકાવી દીધી હતી. દાદુના પિતા સહિત પરિવારના અન્ય સભ્યોએ દરમ્યાનગીરી કરીને છોકરીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે તેમના પર દાતરડાથી હુમલો કરવાની ધમકી આપી હતી. બન્ને છોકરીઓ આખી રાત ઊંધી સ્થિતિમાં રહી. રુતુજાએ પાણી આપવા માટે વિનંતી કરી હતી, પણ પિતાનું હૃદય પીગળ્યું નહોતું.’
સવારે બન્ને બહેનો બેભાન હાલતમાં મળી આવી હતી. તેમને સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ રુતુજાની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હોવાથી તેને પંઢરપુરની હૉસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની બહેન અનુજા હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
હૉસ્પિટલના અધિકારીઓએ પોલીસને ઘટનાની જાણ કર્યા પછી છોકરીઓના પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસનો દાવો છે કે તે માનસિક રીતે અસ્થિર છે.