23 February, 2026 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચેન્નઈના દરિયાકિનારે શનિવારે દરિયામાં ઊતર્યા બાદ મહારાષ્ટ્રની એક વિદ્યાર્થિની ડૂબી ગઈ હતી અને બીજો સ્ટુડન્ટ ગુમ થયો હતો. જોકે આ વિદ્યાર્થીઓ કઈ સંસ્થાના હતા એ સ્પષ્ટ થયું નથી. મહારાષ્ટ્ર સરકારે તામિલનાડુના અધિકારીઓને શોધ અને બચાવકામગીરી ઝડપી બનાવવાની અપીલ કરી છે.
તામિલનાડુ સરકાર પાસેથી મળેલી માહિતીને ટાંકીને ચીફ મિનિસ્ટરની ઑફિસે સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે ‘૨૬ વિદ્યાર્થીઓનું એક જૂથ ચેન્નઈના ગોલ્ડન બીચ પર ફરવા ગયું હતું. એમાંથી ૩ વિદ્યાર્થીઓ પાણીમાં ઊતર્યા હતા. એમાં મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની મયૂરી ચૌધરી ડૂબી ગઈ હતી, જ્યારે જય પાટીલ મિસિંગ છે અને તેની શોધ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અન્ય એક વિદ્યાર્થી રાજ કેદારીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે.’
આ ઘટનાની માહિતી મળ્યા પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાત્કાલિક તામિલનાડુ સરકારનો સંપર્ક કર્યો હતો અને રાહત અને બચાવકામગીરી પર સતત નજર રાખી રહ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસે મયૂરી ચૌધરીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે તામિલનાડુ સરકારને શોધ અને બચાવકામગીરી ઝડપી બનાવવા અને શક્ય તમામ સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી. જય પાટીલના સંબંધીઓ ચેન્નઈ પહોંચી ગયા છે, જ્યારે મયૂરી ચૌધરીનો પરિવાર નાગપુરથી ચેન્નઈ જવા રવાના થઈ ગયો છે. રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારો સાથે સતત સંપર્કમાં છે અને જરૂરી તમામ મદદ પૂરી પાડી રહ્યું છે એમ ચીફ મિનિસ્ટરની ઑફિસે વધુમાં જણાવ્યું હતું.