મહારાષ્ટ્રમાં UCCની તૈયારીઓ શરુ, સીએમ ફડણવીસે ડ્રાફ્ટ માટે સાત સભ્યોની સમિતિની કરી જાહેરાત

09 July, 2026 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં સરકારે મોટું પગલું ભર્યું છે. CM દેવેન્દ્ર ફડણવીસે જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિ બનાવવાની જાહેરાત કરી છે, જે છ મહિનામાં UCCનો ડ્રાફ્ટ તૈયાર કરીને રિપોર્ટ સોંપશે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (સૌજન્ય મિડડે)

ઉત્તરાખંડ બાદ હવે ભાજપ શાસિત મહારાષ્ટ્રમાં પણ સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય માટે UCCનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક ખાસ સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. આ સાત સભ્યોની હાઈ-લેવલ કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈ કરશે. આ સમિતિનું મુખ્ય કામ મહારાષ્ટ્ર માટે સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું રહેશે. 
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. આ માટે સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં સાત સભ્યોની હાઈ-લેવલ કમિટી બનાવવાની જાહેરાત કરી છે. આ સમિતિનું કામ મહારાષ્ટ્ર માટે સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું રહેશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આ જાહેરાત કરતા જણાવ્યું કે સમિતિના સભ્યોના નામ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ સાત સભ્યોની સમિતિ UCC સાથે જોડાયેલા કાયદાકીય, સામાજિક અને વહીવટી તમામ પાસાઓનો વિગતવાર અભ્યાસ કરશે. આ સમિતિ આગામી 6 મહિનાની અંદર પોતાની ભલામણો સાથેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે. સમિતિના રિપોર્ટના આધારે સરકાર સમાન નાગરિક સંહિતાના ડ્રાફ્ટને અંતિમ રૂપ આપશે.

મહારાષ્ટ્રમાં UCC માટે સાત સભ્યોની સમિતિ રચાઈ, છ મહિનામાં સરકારને સોંપશે રિપોર્ટ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું કે આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે પૂર્વ હાઈકોર્ટના ન્યાયાધીશ આર. સી. ચૌહાણ અને એસ. જી. મેહરે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ ડી. કે. જૈન, પૂર્વ મહાધિવક્તા વીરેન્દ્ર સરાફ, બંધારણીય નિષ્ણાત રમેશ પટાંગે અને શિક્ષણવિદ સુવર્ણા રાવલનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતાવાળી આ સમિતિ આગામી છ મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. તેમણે જણાવ્યું કે સરકાર નાગપુરમાં યોજાનારા વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન UCC સંબંધિત બિલ રજૂ કરવાનો પ્રયાસ કરશે. ફડણવીસે બંધારણના રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે જરૂરી માળખું તૈયાર કરવા આ સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.

સમાન નાગરિક સંહિતા (UCC) શું છે? જાણો તેનો અર્થ અને ઉદ્દેશ્ય

સમાન નાગરિક સંહિતા (UCC)નો અર્થ એ છે કે ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે, ભલે તેમનો ધર્મ, જાતિ કે લિંગ કંઈ પણ હોય, કેટલાક વ્યક્તિગત મામલાઓમાં એકસરખો કાયદો લાગુ કરવામાં આવે. તેમાં લગ્ન, છૂટાછેડા, સંપત્તિમાં વારસાનો હક અને બાળકને દત્તક લેવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. હાલમાં ભારતમાં અલગ-અલગ ધર્મો જેમ કે હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાય માટે અલગ-અલગ પર્સનલ લૉ (વ્યક્તિગત કાયદા) લાગુ છે. UCC લાગુ થયા બાદ તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક કાયદો લાગુ કરવાની જોગવાઈ રહેશે. UCCનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને વધુ અધિકાર અને સમાનતા આપવાનો માનવામાં આવે છે. કેટલાક વ્યક્તિગત કાયદાઓમાં મહિલાઓને સંપત્તિ અને છૂટાછેડા જેવા મુદ્દાઓમાં પુરુષો જેટલા અધિકારો મળતા નથી. UCC દ્વારા આવા ભેદભાવને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે અને બહુવિવાહ જેવી પ્રથાઓ પર પણ નિયંત્રણ લાવવાની શક્યતા છે.

maharashtra uttarakhand maharashtra government uniform civil code maharashtra news news