04 April, 2026 08:32 AM IST | Bagdogra | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પકડાયેલો ઍડ્વોકેટ મોફ્ફકરુલ ઇસ્લામ
પશ્ચિમ બંગાળના માલદામાં મતદારયાદીઓની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા સાથે સંકળાયેલા જુડિશ્યલ અધિકારીઓને બંધક બનાવવાના કેસમાં મુખ્ય આરોપી સહિત ૩૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના ૪૮ કલાકની અંદર પોલીસે બાગડોગરા ઍરપોર્ટ પર મુખ્ય આરોપી મોફ્ફકરુલ ઇસ્લામની ધરપકડ કરી હતી. તે બૅન્ગલોર ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
મોફ્ફકરુલ ઇસ્લામ કલકત્તા હાઈ કોર્ટમાં વકીલ છે. તે ૨૦૧૧માં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)નો ઉમેદવાર હતો. મોફ્ફકરુલ પર આરોપ છે કે તેણે પહેલી એપ્રિલે માલદાના સુજાપુરમાં SIRમાંથી ઉમેદવારીપત્રો કાઢી નાખવાના વિરોધમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું.
આનાથી લોકો ગુસ્સે ભરાયા હતા અને હજારો લોકોએ કાલિયાચક BDO ઑફિસને ઘેરી લીધી હતી અને બે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, જેને કારણે ૭ જુડિશ્યલ અધિકારીઓ ૯ કલાક સુધી અંદર ફસાયા હતા. સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને વહેલી સવારે એક વાગ્યે ભારે સુરક્ષાદળોની હાજરીમાં અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
બીજી તરફ સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ ચૂંટણીપંચે તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી. એક ટીમ પહેલેથી જ માલદા પહોંચી ગઈ છે.