જો તમે મને નુકસાન પહોંચાડશો તો હું આખા દેશને હચમચાવી નાખીશ

26 November, 2025 10:45 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

SIR સામે વિરોધ-પ્રદર્શનમાં મમતા બૅનરજીની BJPને આકરી ચેતવણી

મમતા બૅનરજી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ને ચેતવણી આપતાં જાહેરાત કરી હતી કે ‘હું મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે રાષ્ટ્રવ્યાપી યાત્રા પર નીકળીશ. જો તેઓ મને નુકસાન પહોંચાડશો તો હું બતાવીશ કે હું શું કરી શકું છું. હું આખા દેશને હચમચાવી નાખીશ. બંગાળ પાસે હિંમત છે કે બંગાળ દિલ્હીમાં સત્તા કબજે કરશે.’

બંગલાદેશની સરહદે આવેલા નૉર્થ 24 પરગણા જિલ્લામાં મતુઆ સમુદાયના ગઢ ગણાતા બાણગાંવમાં SIR વિરુદ્ધ એક રૅલીને સંબોધતાં મમતાએ કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ૨૦૨૪માં આ મતદારયાદીના આધારે મત મળ્યા હતા. જો બંગાળમાં મતદારયાદીમાંથી કાયદેસર મતદારોનાં નામ કાઢી નાખવામાં આવશે તો કેન્દ્ર સરકાર પણ પડી જશે. SIR આટલી ઉતાવળમાં કેમ લાગુ કરવામાં આવી રહ્યું છે?’

ચૂંટણીપંચને BJP કમિશન ગણાવ્યું

મમતા બૅનરજીએ ચૂંટણીપંચની આકરી ટીકા કરીને BJP કમિશન ગણાવ્યું હતું. તેમણે શરણાર્થી મતુઆ સમુદાયને ખાતરી આપતાં કહ્યું હતું કે ‘જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી હું મતદારયાદીમાંથી તમારાં નામ દૂર કરવા નહીં દઉં. જો બંગલાદેશીઓની સમસ્યા છે તો તમે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં SIR કેમ કરાવી રહ્યા છો? હું BJPથી ડરતી નથી. ટ્રેનો, વિમાનો અને સરહદો બધું જ કેન્દ્રીય એજન્સીઓના નિયંત્રણ હેઠળ છે. પાસપોર્ટ, કસ્ટમ્સ અને એક્સાઇઝ બધું જ કેન્દ્ર સરકાર દ્વારા સંભાળવામાં આવે છે. તો પછી અમે બંગલાદેશીઓને બંગાળમાં ઘૂસણખોરી કેવી રીતે કરવાની મંજૂરી આપી?’

mamata banerjee special intensive revision sir bharatiya janata party national news news