આંધ્ર પ્રદેશમાં ONGCના તેલના કૂવામાંથી ગૅસ લીક થયો, વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી

06 January, 2026 04:58 PM IST  |  Amaravati | Gujarati Mid-day Correspondent

આંધ્ર પ્રદેશના કોનાસીમા જિલ્લાના રાજોલ વિસ્તારમાં ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન (ONGC)ના તેલના કૂવામાંથી મોટા પ્રમાણમાં ગૅસ લીક થતાં વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. આના પગલે પોલીસ અને ફાયર-બ્રિગેડના અધિકારીઓએ આસપાસનાં ત્રણ ગામો ખાલી કરાવ્યાં હતાં.

આંધ્ર પ્રદેશમાં ONGCના તેલના કૂવામાંથી ગૅસ લીક થયો

આંધ્ર પ્રદેશના કોનાસીમા જિલ્લાના રાજોલ વિસ્તારમાં ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન (ONGC)ના તેલના કૂવામાંથી મોટા પ્રમાણમાં ગૅસ લીક થતાં વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. આના પગલે પોલીસ અને ફાયર-બ્રિગેડના અધિકારીઓએ આસપાસનાં ત્રણ ગામો ખાલી કરાવ્યાં હતાં. આગને લીધે કોઈ નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. મૃત્યુ કે ઈજાના અહેવાલ પણ નથી.

સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે તેલના કૂવામાંથી ઉત્પાદન કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું હતું. અચાનક એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો અને ગૅસ અને ક્રૂડ તેલ ઝડપથી ઉપર તરફ નીકળવા લાગ્યું હતું. ગૅસ આસપાસના વિસ્તારમાં ઝડપથી ફેલાઈ ગયો હતો. થોડી જ વારમાં ગૅસમાં આગ લાગી હતી અને કૂવાની નજીક ઊંચી જ્વાળાઓ વધવા લાગી હતી.
પ્રશાસને લાઉડસ્પીકર દ્વારા લોકોને વીજળીનાં તમામ ઉપકરણો બંધ રાખવાની, ગૅસના ચૂલા પ્રગટાવવાનું ટાળવાની અને કોઈ પણ ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવાની અપીલ કરી હતી.

andhra pradesh oil prices amravati national news fire incident news