ટીબીનું નિદાન કરતી આ ઉંદરડી રિટાયર થઈ

22 May, 2025 02:46 PM IST  |  Tanzania | Gujarati Mid-day Correspondent

લૅબોરેટરીમાં જો ટીબીના ગળફાનાં ૧૦૦ સૅમ્પલ તપાસવા માટે એક વ્યક્તિને ૪ દિવસ લાગે છે, જ્યારે કૅરોલિના જેવી ઉંદરડી માટે એ જસ્ટ ૨૦ મિનિટનું કામ છે

૭ વર્ષથી લગાતાર આ કામ કરી રહેલી ઉંદરડીની ઉંમર ૮ વર્ષ થઈ છે

ઉંદરને જોઈને જ આપણે પ્લેગ અને એવો ચેપી રોગચાળો થવાની સંભાવનાઓની વાતો કરતા થઈ જઈએ છીએ, પરંતુ આફ્રિકન દેશ ટાન્ઝાનિયાના અપોપો ટ્યુબરક્યુલોસિસ ડિટેક્શન સેન્ટરમાં કેટલાક ઉંદરોને હીરોનો દરજ્જો મળે છે. આ ઉંદરો એમની ઘ્રાણેન્દ્રિયોથી ટ્યુબરક્યુલોસિસ રોગનું નિદાન કરવામાં મદદરૂપ થાય છે. આફ્રિકન દેશોમાં ટ્યુબરક્યુલોસિસ એ આજેય પ્રાણઘાતક અને મહાચેપી રોગ છે. આ ચેપનું નિદાન જેટલું વહેલું થાય એટલી એની સારવાર શક્ય બને છે. ટીબી માટે જવાબદાર બૅક્ટેરિયાનું નિદાન કરવાની જે મેડિકલ પદ્ધતિ છે એ ૧૦૦ ટકા ચોક્કસ નથી. આ મેડિકલ ટેસ્ટમાંથી સ્ક્રીનિંગ થયા પછી પણ કેટલાક પૉઝિટિવ કેસ પકડાતા નથી. એના માટે ટાન્ઝાનિયા અને ઇથિયોપિયામાં ટીબીનું નિદાન કરવા માટે ખાસ ઉંદરોને ટ્રેઇન કરવામાં આવે છે. કૅરોલિના એ જાયન્ટ આફ્રિકન રૅટ છે જે છેલ્લાં ૭ વર્ષથી ટીબીનું નિદાન સૂંઘીને કરવાનું કામ કરતી હતી.

કહેવાય છે કે માણસના નાકમાં ૪૦૦ ચેતાતંતુઓ હોય છે. એનાથી વધુ સારી ઘ્રાણક્ષમતા ડૉગીઝમાં હોય છે, કેમ કે ડૉગીઝમાં ૯૦૦ ચેતાતંતુઓ હોય છે; જ્યારે જાયન્ટ આફ્રિકન ઉંદરમાં ૧૨૦૦ ચેતાતંતુઓ હોય છે જે માણસ કરતાં ચારગણો વધુ સ્ટ્રૉન્ગ હોય છે.

લૅબોરેટરીમાં જો ટીબીના ગળફાનાં ૧૦૦ સૅમ્પલ તપાસવા માટે એક વ્યક્તિને ૪ દિવસ લાગે છે, જ્યારે કૅરોલિના જેવી ઉંદરડી માટે એ જસ્ટ ૨૦ મિનિટનું કામ છે. જ્યારે પણ મેડિકલ ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હોય પરંતુ લક્ષણો ટીબીને મળતાં આવતાં હોય એવું લાગે ત્યારે એ દરદીનાં સૅમ્પલ કૅરોલિના પાસે લાવવામાં આવતાં હતાં. કૅરોલિનાએ બે લાખ સૅમ્પલમાંથી ૩૦૦૦ પૉઝિટિવ કેસ અલગ તારવી આપ્યા હતા.  

હૉસ્પિટલમાં એક લૅબોરેટરી ટેક્નિશ્યનની ગરજ સારતી કૅરોલિનાના ઠાઠ કંઈ ઓછા નથી. એ ખૂબ શાંત છે, પણ કામ કરવાનું હોય ત્યારે એ ખૂબ ઍક્ટિવ થઈ જાય છે. એની કાળજી રાખનારા લોકો પાસેથી વારંવાર વહાલ મેળવવાનું એને બહુ ગમે છે. કામ કરતી વખતે પણ એ વચ્ચે-વચ્ચે પ્રિય લોકોને મળી આવે છે અને તેમના ખોળામાં અને ખભા પર બેસીને કૂદાકૂદ કરી લે છે. ૭ વર્ષથી લગાતાર આ કામ કરી રહેલી ઉંદરડીની ઉંમર ૮ વર્ષ થઈ છે. હવે એની ઉંમરને જોતાં હૉસ્પિટલે એને રિટાયર કરવાનું નક્કી કર્યું છે અને એને રિટાયરમેન્ટ પાર્ટી પણ આપી છે.  કેળાં અને અવાકાડો જેવી ચીજો એના માટે પાર્ટી છે.

tanzania south africa offbeat news national news news