15 November, 2026 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માઇક્રોસૉફ્ટ
માઇક્રોસૉફ્ટ દ્વારા શનિવારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આઉટલુક, ટીમ્સ અને કોપાઇલટ સહિતની એની તમામ ઍપ્લિકેશનની સર્વિસ સંપૂર્ણપણે પૂર્વવત્ થઈ ગઈ છે. ગુરુવારે સર્જાયેલા વૈશ્વિક આઉટેજને કારણે ૨૪ કલાકથી વધુ સમય સુધી દુનિયાભરના વ્યવસાયો અને સરકારી ઑફિસોનું ઑનલાઇન કામકાજ ખોરવાઈ ગયું હતું.
કંપનીના જણાવ્યા અનુસાર અગાઉ જ્યારે નેટવર્ક કૅપેસિટી અપગ્રેડ કરવામાં આવી રહી હતી ત્યારે એમાં એક ખામી રહી ગઈ હતી. ત્યાર બાદ હાલમાં જ જ્યારે નેટવર્કમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા ત્યારે પેલી જૂની ખામી સપાટી પર આવી ગઈ અને એને કારણે જ આ વૈશ્વિક આઉટેજ સર્જાયો હતો. એટલે કે નેટવર્ક-ક્ષમતા વધારવા માટે અગાઉ થયેલા કામમાં રહી ગયેલી ત્રુટિ હાલના ફેરફાર વખતે નડી ગઈ હતી. માઇક્રોસૉફ્ટે તાત્કાલિક ધોરણે આ મૂળ ખામીને શોધી કાઢીને એને દૂર કરી દીધી છે. જોકે ગ્રાહકોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને સિસ્ટમમાં સ્થિરતા જાળવી રાખવા માટે એણે એકસાથે બધી સર્વિસ ચાલુ કરવાને બદલે ધીમે-ધીમે અને તબક્કાવાર તમામ સર્વિસ પુનઃસ્થાપિત કરી હતી.