25 May, 2025 07:19 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
યજમાન તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી સાથે મિસ ઇંગ્લૅન્ડ મિલ્લા મૅગી.
ભારતમાં યોજાયેલી મિસ વર્લ્ડ 2025 સ્પર્ધાના ફિનાલેના એક અઠવાડિયા પહેલાં આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલી મિસ ઇંગ્લૅન્ડ મિલ્લા મૅગીએ સ્પર્ધા છોડી દીધી છે. ૧૦ મેએ હૈદરાબાદમાં શરૂ થયેલી આ સ્પર્ધા ૩૧ મેએ સમાપ્ત થશે. આ દિવસે મિસ વર્લ્ડની જાહેરાત કરવામાં આવશે. ૨૪ વર્ષની મિસ ઇંગ્લૅન્ડ મિલ્લા મૅગીએ મિસ વર્લ્ડ 2025માંથી ખસી જવાનો જે નિર્ણય લીધો એનાથી બધાને આશ્ચર્ય થયું છે. મિસ વર્લ્ડના ૭૪ વર્ષના ઇતિહાસમાં આવું કરનારી તે પ્રથમ ટાઇટલ વિજેતા બની છે. તેણે આ સ્પર્ધા છોડવા પાછળનું કારણ શોષણ અને નૈતિક સંઘર્ષની લાગણીઓ ગણાવી હતી.
મિલ્લા મૅગી સ્પર્ધા માટે સાતમી મેએ હૈદરાબાદ આવી હતી અને ૧૬ મેએ તે વ્યક્તિગત કારણો આપીને ઘરે પાછી ફરી હતી. જોકે ઇંગ્લૅન્ડ ગયા બાદ તેણે ઘણા આરોપો લગાવ્યા હતા. તેણે સનસનાટીભર્યો આક્ષેપ કર્યો હતો કે હૈદરાબાદમાં તે પોતાને એક વસ્તુ તરીકે જોતી હતી અને શ્રીમંત પુરુષ પ્રાયોજકોનું મનોરંજન કરવા માટે દબાણ અનુભવતી હતી. એટલું જ નહીં, તેણે આ અનુભવની તુલના ‘પ્રોસ્ટિટ્યુટ જેવી લાગણી’ સાથે કરીને બધાને ચોંકાવી દીધા છે. તેણે સ્પર્ધાની ટીકા કરતાં કહ્યું કે ‘એ હવે ઘણી જૂની થઈ ગઈ છે અને અેનું સૂત્ર હેતુપૂર્ણ સુંદરતા હોવા છતાં સ્પર્ધામાં માત્ર દેખાવ પર ભાર મૂકવામાં આવે છે. સ્પર્ધકો પાસે હંમેશાં મેકઅપ અને બૉલ ગાઉન પહેરવાની અપેક્ષા રાખવામાં આવે છે, બ્રેકફાસ્ટ વખતે પણ આમ કરવામાં આવે છે અને સાંજના કાર્યક્રમો માટે તેમને પુરુષ પ્રાયોજકો સાથે ટેબલ પર બેસાડવામાં આવતી હતી. છ મહેમાનોના દરેક ટેબલ પર બે છોકરીને બેસાડવામાં આવતી હતી. અમારી પાસેથી આખી સાંજ તેમની સાથે બેસીને આભાર માનવાની અને તેમનું મનોરંજન કરવાની અપેક્ષા રાખવામાં આવતી હતી.’
મિલ્લા મૅગીએ એ પણ ખુલાસો કર્યો કે શોના ૧૦૯ ફાઇનલિસ્ટને કંટાળાજનક હોવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો. હું બદલાવ લાવવા, એક અલગ ભવિષ્ય બનાવવા, કદાચ યુવાનોને પ્રેરણા આપવા માટે બહાર ગઈ હતી એમ જણાવતાં મિલ્લા મૅગીએ કહ્યું હતું કે અમે આ લોકોને ખુશ કરવા અને પ્રદર્શન કરતા વાંદરાઓની જેમ બેસવા માટે ત્યાં હતાં, હું એ સહન કરી શકી નહીં અને મેં ત્યાંથી પાછા ફરવાનો નિર્ણય લીધો હતો.
મૅગીનું સ્થાન મિસ વર્લ્ડના ફાઇનલમાં મિસ ઇંગ્લૅન્ડની રનર-અપ પચીસ વર્ષની મિસ લિવરપૂલ શાર્લોટ ગ્રૅન્ટ લેશે. ફાઇનલ આવતા અઠવાડિયે ૧૮૦થી વધુ દેશોમાં પ્રસારિત થશે.