માઉન્ટ એવરેસ્ટ પર અદ્ભુત ચમત્કાર જોવા મળ્યો

06 June, 2026 10:10 AM IST  |  himachal pradesh | Gujarati Mid-day Correspondent

જેના માટે પરિવારે અંતિમ પ્રાર્થના પણ કરી લીધી, એ શેરપા ૬ દિવસ પછી બરફમાંથી જીવતો મળ્યો

૬ દિવસ સુધી બરફવર્ષા અને ભારે ઠંડીમાં ફસાયા બાદ બધાએ માની લીધું કે દાવા શેરપા મરી ગયો હશે. તેના બચવાની આશા લગભગ ધૂંધળી થઈ ગઈ હતી.

રહસ્યમય માઉન્ટ એવરેસ્ટ એના ઘણા ચમત્કારો માટે જાણીતો છે અને ગુરુવારે આવો જ એક ચમત્કાર જોવા મળ્યો હતો જ્યાં બાવન વર્ષનો એક નેપાલી શેરપા ગાઇડ દાવા શેરપા ૬ દિવસ પછી બરફના પહાડ પર જીવતો મળી આવ્યો હતો. તેને મૃત્યુ પામેલો સમજીને તેના માટે અંતિમ પ્રાર્થના પણ કરી દેવામાં આવી હતી. નેપાલી ક્લાઇમ્બિંગ ગાઇડ દાવા શેરપા એવરેસ્ટના ખતરનાક ડેથ ઝોનમાંથી પસાર થઈને બેઝ કૅમ્પ સુધી પહોંચ્યો હતો. એક સફાઈ-ટીમે તેને ખુમ્બુ આઇસફૉલ પાસે જોયો હતો. આને એવરેસ્ટ ટ્રેકિંગ ઇતિહાસનો સૌથી મોટો ચમત્કાર માનવામાં આવી રહ્યો છે.
એવરેસ્ટ શિખર સર કર્યા પછી તે પર્વત પરથી નીચે ઊતરી રહ્યો હતો ત્યારે બાકીની ટીમથી અલગ થઈ ગયો હતો અને ગુમ થઈ ગયો હતો. તે છેલ્લે કૅમ્પ 3ની ઉપર લગભગ ૭૫૦૦ મીટર (૨૪,૬૦૦ ફુટ)ની ઊંચાઈએ જીવતો જોવા મળ્યો હતો. આટલી ઊંચાઈ પર હવા એટલી પાતળી હોય છે કે કોઈ પણ માણસ થોડા કલાકો માટે પણ ઑક્સિજન વિના ટકી શકતો નથી. ૬ દિવસ સુધી બરફવર્ષા અને ભારે ઠંડીમાં ફસાયા બાદ બધાએ માની લીધું કે દાવા શેરપા મરી ગયો હશે. તેના બચવાની આશા લગભગ ધૂંધળી થઈ ગઈ હતી.

national news india mount everest nepal