મધ્ય પ્રદેશની દતિયા બેઠક પર BJP કૉન્ગ્રેસને હરાવવામાં ફરી નિષ્ફળ

04 August, 2026 11:38 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહને ૬૬,૭૫૭ મત મળ્યા હતા અને તેમનો ૬૦૧૬ મતથી વિજય થયો હતો

કૉન્ગ્રેસના વિજયી ઉમેદવાર ઘનશ્યામ સિંહ

છેલ્લાં અનેક વર્ષોથી મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સત્તા હોવા છતાં દતિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં એને ફરી પરાજયનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે. આ પરંપરાગત રીતે કૉન્ગ્રેસની બેઠક માનવામાં આવે છે અને પેટાચૂંટણીમાં પણ કૉન્ગ્રેસે બેઠક જીતી લીધી હતી.

કૉન્ગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહને ૬૬,૭૫૭ મત મળ્યા હતા અને તેમનો ૬૦૧૬ મતથી વિજય થયો હતો. તેમણે BJPના ઉમેદવાર આશુતોષ તિવારીને હરાવ્યા છે. તિવારીને ૬૦,૭૪૧ મત મળ્યા હતા જ્યારે ત્રીજા સ્થાને રહેલા આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના ઉમેદવાર દામોદર યાદવ મંડલને ૨૨,૫૨૮ મત મળ્યા હતા. આ બેઠક પર ૩૦ જુલાઈએ ૭૧.૪૪ ટકા મતદાન થયું હતું. કુલ ૨૧ ઉમેદવારો મેદાનમાં હતા.

૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસના રાજેન્દ્ર ભારતીએ BJPના ડૉ. નરોત્તમ મિશ્રાને હરાવ્યા હતા. જોકે ૨૦૨૬ના એપ્રિલ મહિનામાં દિલ્હીની એક કોર્ટે રાજેન્દ્ર ભારતીને છેતરપિંડીના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી, જેના કારણે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને પેટાચૂંટણીની જરૂર પડી હતી.

madhya pradesh bharatiya janata party congress political news national news news