મહાકુંભમાં હેલિકૉપ્ટર-રાઇડ કરાવતી બોગસ વેબસાઇટ દ્વારા પૈસા પડાવતી ગૅન્ગ પકડાઈ

21 February, 2025 07:03 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

પાંચ જણની બિહારમાંથી ધરપકડ, મુંબઈની મહિલાનો પણ સમાવેશ

બિહારથી ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંમેળામાં હેલિકૉપ્ટર-રાઇડ બુક કરવાના નામે બોગસ વેબસાઇટ તૈયાર કરીને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરી પૈસા પડાવતી ગૅન્ગની કફ પરેડ પોલીસે ધરપકડ કરી હતી જેમાં અંધેરીની એક મહિલાનો સમાવેશ છે. ૧૭ જાન્યુઆરીએ કફ પરેડમાં રહેતી એક મહિલાને હેલિકૉપ્ટર-રાઇડ આપવાના નામે આરોપીઓએ ૬૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા. આ કેસની તપાસ કરતાં આરોપીઓ બિહારમાં ઍક્ટિવ હોવાની માહિતી મળતાં પોલીસે બિહાર જઈને તેમની ધરપકડ કરી હતી. આરોપીઓ બોગસ વેબસાઇટ તૈયાર કરીને ગૂગલના સર્ચ-બારમાં સૌથી ઉપર દેખાય એ માટે એનું પેઇડ પ્રમોશન કરતા હતા એટલું જ નહીં, મુંબઈની ઍરટેલ કંપનીમાં કામ કરતી મહિલા છેતરપિંડી કરનાર આરોપીઓને ૬૦૦ રૂપિયામાં
સિમ-કાર્ડ વેચતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

કફ પરેડ પોલીસ-સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અમિત દેવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કફ પરેડમાં રહેતાં ફરિયાદીએ જાન્યુઆરીની શરૂઆતમાં ગૂગલ પર મહાકુંભ હેલિકૉપ્ટર સર્વિસ સર્ચ કરતાં તેમને એક વેબસાઇટ જોવા મળી હતી જેમાં એક નંબર મળ્યો હતો. એ નંબર પર સંપર્ક કરતાં ૨૬ લોકો માટે હેલિકૉપ્ટર-રાઇડના ૬૦,૦૦૦ રૂપિયા માગવામાં આવ્યા હતા જે ફરિયાદીએ ઑનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. એ પૈસા મોકલ્યાના થોડા દિવસ બાદ એ નંબર બંધ થઈ જતાં છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. અંતે ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. અમે જે બૅન્ક-અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા એની વિગતવાર માહિતી કઢાવી ત્યારે એ બિહારનું અકાઉન્ટ હોવાનું જાણવા મળ્યું એટલે અમે બિહાર પોલીસ સાથે સંપર્ક કરી જે ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી પૈસા ઉપાડવામાં આવ્યા હતા એનું ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ મેળવી લીધું હતું અને એ ફુટેજના આધારે અમે બિહારમાંથી મુકેશકુમાર ઉર્ફે બ્રિજેશ કુમારની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કર્યા બાદ અમે સૌરભકુમાર ઉર્ફે રમેશકુમાર, અવિનાશકુમાર ઉર્ફે બિટ્ટુ અને સંજીવકુમાર મિસ્ત્રીની બિહારમાંથી ધરપકડ કરી હતી. આરોપીઓને છેતરપિંડી કરવા માટે સિમ-કાર્ડ વેચનાર અંધેરીમાં રહેતી સૃષ્ટિ બર્નાવલની પણ અમે ગઈ કાલે ધરપકડ કરી હતી. આરોપીઓનું નેટવર્ક કઈ રીતે કામ કરે છે એની માહિતી કઢાવવામાં આવી રહી છે.’

વેબસાઇટ સૌથી ઉપર દેખાય એ માટે ગૂગલ પર પેઇડ જાહેરાત કરવામાં આવતી

https://mahakumbhhelicopterservice.comના નામે આરોપીએ બોગસ વેબસાઇટ તૈયાર કરી હતી. ગૂગલ પર સર્ચ કરનારને સૌથી ઉપર દેખાય એ માટે તેઓ પેઇડ જાહેરાત કરતા જેથી કોઈ વ્યક્તિ મહાકુંભ હેલિકૉપ્ટર-રાઇડ માટે સર્ચ કરે ત્યારે સૌથી ઉપર તેમની આ વેબસાઇટ જોવા મળતી હતી.

મુંબઈના વેપારીના નામે સિમ-કાર્ડ ૬૦૦ રૂપિયામાં વેચ્યું

અંધેરીથી પકડવામાં આવેલી સૃષ્ટિ ઍરટેલ કંપનીમાં નોકરી કરતી હતી. તેની પાસે સિમ-કાર્ડ લેવા આવતા લોકો પાસેથી થમ્બ-મશીન પર બે વાર થમ્બ લઈ લેતી હતી. એ પછી એક સિમ-કાર્ડ આવનાર વ્યક્તિને આપી બીજું મુંબઈના વેપારીના નામનું સિમ-કાર્ડ સાઇબર ગઠિયાને ૬૦૦ રૂપિયામાં વેચતી હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ રીતે તેણે અનેક સિમ-કાર્ડ વેચ્યાં હતાં.

kumbh mela prayagraj uttar pradesh cyber crime crime news mumbai police news bihar mumbai news mumbai