07 October, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતની આર્થિક રાજધાની મુંબઈને દેશનાં સૌથી સુરક્ષિત શહેરોમાં ચોથો નંબર મળ્યો છે
તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્્સ બ્યુરો (NCRB)ના આંકડાઓ પરથી અનેક વિગતો બહાર આવી છે. એમાં ભારતની આર્થિક રાજધાની મુંબઈને દેશનાં સૌથી સુરક્ષિત શહેરોમાં ચોથો નંબર મળ્યો છે. દેશના સૌથી સુરક્ષિત શહેર તરીકે કલકત્તાએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મહારાષ્ટ્રનું પુણે આ યાદીમાં મુંબઈ કરતાં એક ડગલું ઉપર ત્રીજા ક્રમે છે.
કેરલાનું કોચી સૌથી અસુરક્ષિત
દેશનું સૌથી અસુરક્ષિત શહેર કેરલાનું કોચી છે જ્યાં એક લાખદીઠ વસ્તીના પ્રમાણમાં ૩૧૯૨.૪ કેસ નોંધાયા છે. ગુનાખોરી માટે પંકાયેલું દિલ્હી શહેર અસુરક્ષિત શહેરોની યાદીમાં ૨૧૦૫.૩ કેસ સાથે બીજા ક્રમાંકે રહ્યું છે. ગુજરાતનું સુરત સુરક્ષિત મેટ્રોપૉલિટન સિટીની યાદીમાં ૧૩૭૭.૧ કેસ સાથે છેલ્લેથી ત્રીજા ક્રમે આવ્યું છે તો અમદાવાદે ૮૩૯.૩ કેસ સાથે સુરક્ષિત શહેરોની યાદીમાં દસમો ક્રમ મેળવ્યો છે.
કેમ ટોચ પર રહ્યું કલકતા?
૨૦૨૩ના ડેટા મુજબ કલકત્તામાં એક લાખની વસ્તીના પ્રમાણમાં ૮૩.૯ કૉગ્નિઝેબલ ગુના નોંધાયા છે. કોચીએ સતત ચોથી વાર દેશના સૌથી સુરક્ષિત શહેર તરીકે સ્થાન મેળવ્યું છે. મુંબઈમાં એક લાખદીઠ ૩૫૫.૪ કૉગ્નિઝેબલ ગુના નોંધાયા છે. પુણે આ રેસમાં મુંબઈથી વધુ સુરક્ષિત છે. પુણેમાં લાખ વ્યક્તિએ ૩૩૭.૧ કેસ નોંધાયા છે. ચાર્જશીટની બાબતમાં કોચી પહેલા નંબરે આવ્યું છે. ૯૭.૨ ટકા કેસમાં ચાર્જશીટ નોંધાઈ હોવાની માહિતી મળી છે.
કેવી રીતે નક્કી થાય છે સૌથી સુરક્ષિત શહેર?
દેશનાં સૌથી સુરક્ષિત શહેરોની આ યાદી શહેરોમાં નોંધાતા જામીનપાત્ર (કૉગ્નિઝેબલ) ગુનાઓની સંખ્યાના આધારે બહાર પાડવામાં આવી છે. NCRBએ ૨૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં ૧૯ મેટ્રોપૉલિટન સિટીના ડેટા મુજબ સૌથી સુરક્ષિત અને સૌથી અસુરક્ષિત શહેરોની યાદી બહાર પાડી છે.
ટૉપ પાંચ અસુરક્ષિત શહેરો
શહેરનું નામ પ્રતિ લાખ વ્યક્તિએ નોંધાયેલા ગુના
કોચી (કેરલા) ૩૧૯૨.૪
દિલ્હી ૨૧૦૫.૩
સુરત ૧૩૭૭.૧
જયપુર ૧૨૭૬.૮
પટના ૧૧૪૯.૫