રાહુલને મળ્યા નવજોત સિંહ સિદ્ધુ, ફરી પ્રદેશ અધ્યક્ષ તરીકે કામ કરશે

16 October, 2021 12:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાજકીય વર્તુળો માને છે કે સિદ્ધુના નિવેદનનો અર્થ એ છે કે હવે તે ફરી એક વખત ક્ષેત્રમાં સક્રિય થશે.

નવજોત સિંહ સિદ્ધુ. ફોટો/પીટીઆઈ

પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપનાર નવજોત સિંહ સિદ્ધુ ( Navjot singh Sidhu) શુક્રવારે રાત્રે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. બેઠક બાદ સિદ્ધુએ પત્રકારોને કહ્યું કે “મને જે ચિંતા હતી, મેં તેમને રાહુલ જી સમક્ષ ઉઠાવી હતી અને હવે તે તમામનું સમાધાન થઈ ગયું છે.” સિદ્ધુએ ગયા મહિને પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને પંજાબના રાજકારણમાં હલચલ મચાવી હતી.

રાજકીય વર્તુળો માને છે કે સિદ્ધુના નિવેદનનો અર્થ એ છે કે હવે તે ફરી એક વખત ક્ષેત્રમાં સક્રિય થશે.

રાહુલ ગાંધી સાથે સિદ્ધુની મુલાકાત બાદ પંજાબ કૉંગ્રેસના પ્રભારી હરીશ રાવતે કહ્યું કે “સિદ્ધુએ રાહુલ ગાંધીને કહ્યું છે કે તેઓ પ્રદેશ અધ્યક્ષ તરીકે પોતાનું કામ શરૂ કરી રહ્યા છે.”

સિદ્ધુ ગુરુવારે સાંજે દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલય પહોંચ્યા હતા. અહીં સિદ્ધુએ હરીશ રાવત અને પાર્ટીના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ સામે પોતાના મુદ્દા મુક્યા હતા.

મુલાકાત બાદ સિદ્ધુએ પત્રકારોને જણાવ્યું હતું કે “મેં પંજાબ અને પંજાબ કોંગ્રેસને પાર્ટીને લઈ મારી ચિંતાઓ હાઈકમાન્ડને જણાવી છે. મને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પર પૂર્ણ વિશ્વાસ છે. મને ખાતરી છે કે તેઓ જે પણ નિર્ણય લેશે તે પંજાબના હિતમાં હશે.”

ક્રિકેટરથી રાજકારણી બનેલા આ નેતાએ કહ્યું હતું કે તેઓ પાર્ટી હાઈકમાન્ડના દરેક આદેશનું પાલન કરશે.

આ પછી હરીશ રાવતે કહ્યું હતું કે “સિદ્ધુએ કહ્યું છે કે તેઓ કોંગ્રેસ નેતૃત્વના આદેશોનું પાલન કરશે અને આદેશ સ્પષ્ટ છે કે સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સંપૂર્ણ તાકાતથી પોતાનું કામ કરવું જોઈએ.”

તે સ્પષ્ટ છે કે પાર્ટી હાઇકમાન્ડ સિદ્ધુ પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરે તેમ ઈચ્છે છે. કોંગ્રેસ નથી ઇચ્છતી કે પંજાબ તેના હાથમાંથી નીકળી જાય, તેથી તે ઘણી બનતા પ્રયાસ કરી રહી છે અને સિદ્ધુની તમામ હરકતોને અવગણવા માટે પણ મજબૂર છે.

અગાઉ, સિદ્ધુ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના પુત્રના લગ્ન સમારંભમાં દેખાયા ન હતા અને એવું માનવામાં આવતું હતું કે બંને નેતાઓ વચ્ચેનું અંતર અકબંધ છે, પરંતુ હવે જ્યારે સિદ્ધુએ કહ્યું છે કે તેમના તમામ મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી સાથે મળીને પાર્ટીને આગામી વિધાનસભા ચૂંટણી જીતવામાં મદદ કરશે.

national news navjot singh sidhu congress rahul gandhi