16 September, 2025 12:23 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
ઝારખંડના બોકારો વિસ્તારમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે નાબૂદ થયો હોવાનો દાવો ગઈ કાલે ગૃહપ્રધાન અમિત શાહે કર્યો હતો. ગઈ કાલે એક ઑપરેશનમાં એક કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા કુખ્યાત નક્સલવાદી કમાન્ડર, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI-માઓવાદી)ના સેન્ટ્રલ કમિટી મેમ્બર સહદેવ સોરેન ઉર્ફે પરવેશનો ખાતમો કરવામાં આવ્યો હતો.
ઝારખંડના હજારીબાગમાં સુરક્ષા દળોની સિદ્ધિથી ખુશ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘ઉત્તર ઝારખંડના બોકારો વિસ્તારમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. આખો દેશ નક્સલવાદની સમસ્યાથી મુક્ત થશે.’
સહદેવ સોરેન ઉર્ફે પરવેશ
એક પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે ‘ઝારખંડના હઝારીબાગમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કોબ્રા બટૅલ્યન અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમે નક્સલવિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં એક કરોડ રૂપિયાના ઇનામવાળા કુખ્યાત નક્સલ કમાન્ડર, CPI (માઓવાદી)ના સેન્ટ્રલ કમિટી સભ્ય સહદેવ સોરેન ઉર્ફે પરવેશને ઠાર કરવામાં આવ્યો છે. વધુમાં બે અન્ય વૉન્ટેડ નક્સલીઓ રઘુનાથ હેમ્બ્રમ ઉર્ફે ચંચલ અને બિરસેન ગંઝુ ઉર્ફે રામખેલાવાનને પણ સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. આ કાર્યવાહી પછી ઉત્તર ઝારખંડના બોકારો ક્ષેત્રમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે. ટૂંક સમયમાં આખો દેશ નક્સલવાદની સમસ્યાથી મુક્ત થઈ જશે.’