મહારાષ્ટ્રના નાશિકથી પેપર લીક થયું અને રાજસ્થાનના સીકરથી બધે ફેલાઈ ગયું

13 May, 2026 02:47 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

NEET-UGનું પેપર લીક થયું એને પગલે ત્રીજી મેએ લેવાયેલી પરીક્ષા રદ જાહેર કરવામાં આવી, દેશભરના વિદ્યાર્થીઓમાં જબરદસ્ત આક્રોશ

ગઈ કાલે દિલ્હીમાં શાસ્ત્રીભવનમાં આવેલા શિક્ષણમંત્રાલયની બહાર નૅશનલ ટેસ્ટિંગ એજન્સી સામે વિરોધ પ્રદર્શન કરતા નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયાના તથા સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના સભ્યો.

પેપર ૧૦ લાખ રૂપિયામાં ખરીદીને અને ૧૫ લાખમાં વેચનાર યુવાનની ધરપકડ : તપાસ CBIને સોંપવામાં આવી : દેશભરમાંથી ૪૫થી વધુ લોકોને તાબામાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી 

ડૉક્ટર બનવા માટે મેડિકલ કૉલેજમાં ઍડ્મિશન લેતાં પહેલાં ફરજિયાત આપવી પડતી નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (​NEET) અન્ડર-ગ્રૅજ્યુએટ (UG)નું પેપર લીક થવાના કારણે એ રદ થતાં વાતાવરણ તંગ છે. લાખો યુવાનોએ એની તૈયારી કરી હતી અને હવે એક્ઝામ કૅન્સલ થતાં તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે. પેપર લીક થવાને પગલે દેશભરના વિદ્યાર્થીઓમાં ભારોભાર આક્રોશ પણ છે. હવે આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવામાં આવી છે અને CBIએ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. અત્યાર સુધી રાજસ્થાન પોલીસનું સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ (SOG) આ કેસની તપાસ કરી રહ્યું હતું. એણે આ કેસમાં અત્યાર સુધીમાં ૪૫ લોકોને તાબામાં લીધા છે.

આ સમગ્ર પ્રકરણ Guess Paper (ગેસ પેપર)થી શરૂ થયું હોવાનું બહાર આવ્યું છે. એ ગેસ પેપરમાં ૪૧૦ પ્રશ્નો હતા જેમાં લગભગ ૧૨૦ માર્કના પ્રશ્નો હતા જે ઍક્ચુઅલ પેપરમાં હતા. એટલું જ નહીં, એ જ સીક્વન્સમાં હતા. આમાં કેરલમમાં રહીને MBBS કરતા વિદ્યાર્થીનું કનેક્શન મળ્યું. તેણે તેના પિતાને મેસેજ દ્વારા એ પેપર મોકલ્યું હતું. તેના પિતા રાજસ્થાનના સીકરમાં ગેસ્ટ હાઉસ ચલાવે છે. તેમણે એ પેપર તેમની હૉસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને આપ્યું હતું જે આગળ એક કોચિંગ ક્લાસને આપવામાં આવ્યું હતું. એ કોચિંગ ક્લાસે આ બાબતે વ્હિસલબ્લોઅરનું કામ કર્યું હતું જેને ગંભીરતાથી લઈને રાજસ્થાન પોલીસના SOGએ એની તપાસ શરૂ કરી હતી.

એક વૉટ્સઍપ ગ્રુપ (Mafia) પણ શંકાના ઘેરામાં આવી ગયું છે. એના પર ઘણી બધી માહિતી શૅર કરવામાં આવી હતી. જયપુરમાંથી પણ એક વ્યક્તિને તાબામાં લેવાઈ છે. જોકે તે આ કેસની માસ્ટરમાઇન્ડ નથી. તેનાં બે સંતાનો આ પરીક્ષા આપી રહ્યાં છે. તેણે કહ્યું હતું કે તેની પાસે આ પેપર ગુરુગ્રામથી આવ્યું હતું. વળી હવે બિહારમાં પણ એ ગેસ પેપર સર્ક્યુલેટ થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. આમ અનેક રાજ્યોમાં આ કેસનો વ્યાપ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) તરફથી મળેલી માહિતીના આધારે SOGએ દેહરાદૂન, સીકર અને ઝુંઝુનૂંમાં મોટી કાર્યવાહી કરીને ઘણા શંકાસ્પદોની ધરપકડ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તાબામાં લેવાયેલામાં મહારાષ્ટ્રના નાશિકનો ૩૦ વર્ષનો શુભમ ખૈરનાર બૅચલર ઑફ આયુર્વેદિક મેડિસિન ઍન્ડ સર્જરી (BAMS)ના અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે. તે ઇન્દિરાનગર પોલીસ-સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે અને અભ્યાસ માટે બહાર રહેતો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તે એજ્યુકેશન કાઉન્સેલર તરીકે પણ કામ કરતો હતો. તેણે જ પેપર લીક કરવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. રાજસ્થાન પોલીસના SOGને તેના વિશે માહિતી મળતાં તેમણે નાશિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેમણે જૉઇન્ટ ઑપરેશન કરીને શુભમ ખૈરનારને ઝડપી લીધો હતો. 

મળતી માહિતી અનુસાર નાશિક ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 2એ મંગળવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ શુભમ ઇન્દિરાનગર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં એક મંદિરમાં દર્શન કરી રહ્યો હતો ત્યારે છટકું ગોઠવીને તેની અટકાયત કરી હતી. તપાસ એજન્સીઓએ ટેક્નિકલ માહિતીના આધારે આરોપીનો ફોટોગ્રાફ મેળવ્યો હતો. આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે પોતાનો દેખાવ બદલ્યો હતો. તેણે પોતાના માથે મુંડન કરાવ્યું હતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચના એક કૉન્સ્ટેબલે તેને સચોટ રીતે ઓળખી કાઢ્યો હતો અને ત્યાર બાદ તે પકડાઈ ગયો હતો.

એવું બહાર આવ્યું છે કે NEET-UGના પેપરની પહેલી નકલ નાશિકમાંથી જ લીક થઈ હતી. પેપર નાશિકના પ્રિન્ટિંગ-પ્રેસમાં છાપવામાં આવ્યું હતું. આ પેપર નાશિકના આરોપીએ ૧૦ લાખ રૂપિયામાં ખરીદ્યું હતું અને ૧૫ લાખ રૂપિયામાં ગુરુગ્રામમાં વેચ્યું હતું. એના ૧૦ સેટ હરિયાણામાં વેચાયા હતા. આ કેસમાં આંતરરાજ્ય ભ્રષ્ટાચારના આરોપોને કારણે CBIની ટીમો હવે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડી રહી છે.

 આ રીતે ફૂટેલું પેપર દેશભરમાં ફેલાઈ ગયું
 નાશિકના ઝેરોક્સ સેન્ટરમાં પેપરની ઝેરોક્સ નકલ મળી આવી. 
 નાશિકથી એ પેપર હરિયાણા પહોંચ્યું.
 હરિયાણાથી આ પેપર રાજસ્થાનના જયપુર અને ત્યાંથી જામવા રામગઢ મોકલાયું. 
 એ પછી એ પેપર રાજસ્થાનના સીકર મોકલાયું. અહીંથી એની નકલો દેશનાં ઘણાં શહેરોમાં મોકલવામાં આવી.

કાયદામાં પેપર-લીકને લઈને સજાની શું જોગવાઈ છે?
 ત્રણથી પાંચ વર્ષની કેદ ચીટિંગ કરવા માટે.
 પાંચથી ૧૦ વર્ષની કેદ ઑર્ગેનાઇઝ્ડ પેપર લીક કરવા માટે.
 મોટા કેસમાં ઓછામાં ઓછો એક કરોડ રૂપિયાનો દંડ.
 સંડોવાયેલાઓની પ્રૉપર્ટી જપ્ત થઈ શકે.
 કાયદા મુજબ આ નૉન-બેઇલેબલ ઑફેન્સ છે.  

NEET-UG 2026ની પરીક્ષા રદ કરીને નૅશનલ ટેસ્ટિંગ એજન્સીએ શું કહ્યું?

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ૩ મેએ લેવાયેલી મેડિકલ પ્રવેશ-પરીક્ષા નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)-અન્ડર-ગ્રૅજ્યુએટ (UG) 2026ને સત્તાવાર રીતે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૧૨ મેના રોજ જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. દેશભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે એ હેતુથી ભારત સરકારના પરામર્શ બાદ આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
NTA દ્વારા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર આપવામાં આવેલી માહિતી મુજબ કેન્દ્રીય સંસ્થાઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ્સ અને સમીક્ષા બાદ આ પરીક્ષા-પ્રક્રિયા ચાલુ રાખવી અશક્ય જણાતાં એને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ભારત સરકારે આ સમગ્ર મામલો હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપ્યો છે. આ કેસમાં ૮ મેએ જ કેન્દ્રીય એજન્સીઓને ચકાસણી માટે વિગતો મોકલી દેવામાં આવી હતી. NTAએ ખાતરી આપી છે કે તપાસ દરમ્યાન તેઓ તમામ જરૂરી દસ્તાવેજો અને પુરાવાઓ પૂરા પાડીને સંપૂર્ણ સહયોગ કરશે.

પરીક્ષા રદ થવાને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને પડનારી મુશ્કેલીઓનો સ્વીકાર કરતાં NTAએ સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય પરીક્ષાની વિશ્વસનીયતા બચાવવા માટે અનિવાર્ય હતો. જોકે વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર એ છે કે નવી પરીક્ષા માટે ઉમેદવારોએ ફરીથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. મે ૨૦૨૬ની સાઇકલ દરમ્યાન સબમિટ કરેલી વિગતો અને પરીક્ષાકેન્દ્રની પસંદગી (City Preference) યથાવત્ રહેશે. નવી પરીક્ષા માટે ઉમેદવારો પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. અગાઉ ભરેલી ફીના રીફન્ડ અંગે પણ એજન્સીએ જોગવાઈ કરી છે.
આગામી દિવસોમાં નવી પરીક્ષાની તારીખો અને ઍડ્મિટ કાર્ડનું શેડ્યુલ સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર નોટિફિકેશન પર જ ભરોસો રાખવા વિનંતી કરી છે.

national news neet exam Crime News maharashtra nashik rajasthan