NEET-UGની રીએક્ઝામ માટે અભેદ્ય બંદોબસ્ત: પ્રશ્નપત્રોની ડિલિવરી માટે IAFએ ભરી ૨૦૦+ ઉડાન

20 June, 2026 08:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પરીક્ષાની અતિ સંવેદનશીલતાને જોતાં આ વખતે પ્રશ્નપત્રોની ગુપ્ત ડિલિવરીની કમાન ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)ને સોંપાઈ છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

૨૧ જૂને યોજાનારી નૅશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની રી-એક્ઝામિનેશનને સંપૂર્ણપણે ફૂલપ્રૂફ અને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકાર અને નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આકાશથી લઈને જમીન સુધી લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. પરીક્ષાની અતિ સંવેદનશીલતાને જોતાં આ વખતે પ્રશ્નપત્રોની ગુપ્ત ડિલિવરીની કમાન ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)ને સોંપાઈ છે. IAFએ છેલ્લા ૪ દિવસમાં દેશભરનાં પરીક્ષાકેન્દ્રો સુધી પેપર્સ પહોંચાડવા માટે ૨૦૦થી વધુ ઉડાનો ભરી છે. ૧૩ જૂનથી શરૂ થયેલા આ ગુપ્ત મિશનમાં વાયુસેનાનાં પરિવહન વિમાનો અને હેલિકૉપ્ટર્સ દ્વારા બે મુખ્ય હબ પરથી પેપર્સ એકત્રિત કરી દેશનાં વીસથી વધુ વ્યૂહાત્મક સ્થળોએ સુરક્ષિત પહોંચાડવામાં આવ્યાં છે. ફિઝિકલ સુરક્ષા એટલી ચુસ્ત છે કે દિલ્હીથી મદુરાઈ વિમાન મારફત અને ત્યાંથી સેનાના હેલિકૉપ્ટર દ્વારા તામિલનાડુના આર્મ્ડ રિઝર્વ ગ્રાઉન્ડ સુધી પેપર્સ મોકલવા માટે સ્પેશ્યલ મૉક ડ્રિલ પણ યોજાઈ હતી.

ટેલિગ્રામને કોર્ટમાંથી રાહત ન મળી: NEET-UGની રીએક્ઝામ પહેલાં કેન્દ્રના પ્રતિબંધને દિલ્હી હાઈ કોર્ટે યોગ્ય ઠેરવ્યો

દેશમાં રવિવારે યોજાનારી નૅશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ની રીએક્ઝામ પહેલાં પ્રખ્યાત મેસેજિંગ ઍપ્લિકેશન ટેલિગ્રામને દિલ્હી હાઈ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેલિગ્રામ પર લાદવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધ વિરુદ્ધની અરજીને હાઈ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી છે. અદાલતે ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે પરીક્ષાની સંવેદનશીલતા અને કટોકટીભરી સ્થિતિને જોતાં સરકારનું આ પગલું બિલકુલ અયોગ્ય નથી, આ આદેશ સંપૂર્ણપણે સમજી-વિચારીને લેવાયો છે. મે મહિનામાં પરીક્ષાનું પેપર લીક થવા પાછળ ટેલિગ્રામ ચૅનલનો મોટા પાયે દુરુપયોગ થયો હોવાના અહેવાલો બાદ સરકારે મંગળવારે આ ઍપ્લિકેશન પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો હતો.

સરકારે શું દલીલ કરી?

કોર્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટની કલમ ૬૯A હેઠળ નિર્ધારિત કાનૂની પ્રક્રિયાનું યોગ્ય પાલન કર્યું છે. સરકાર વતી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ધારદાર દલીલ કરી હતી કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને રાષ્ટ્રીય પરીક્ષાની પવિત્રતા જાળવવા માટે બાવીસમી જૂન સુધી આ અસ્થાયી નિયંત્રણો જરૂરી છે, કારણ કે આ પ્લૅટફૉર્મ સંગઠિત ચૅટિંગ નેટવર્કનું મુખ્ય હથિયાર બની ગયું હતું. કૅબિનેટ સેક્રેટરીના નેતૃત્વ હેઠળની સમિતિએ પણ આ નિર્ણયની સમીક્ષા કરીને એને મંજૂરી આપી હતી.

ટેલિગ્રામની કઈ દલીલ કામ ન લાગી?

ટેલિગ્રામના વકીલે દલીલ કરી હતી કે ગણતરીના યુઝર્સની ભૂલ માટે કરોડો ગ્રાહકોના આખા પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ મૂકવો એ વધારે પડતું આકરું પગલું છે. જોકે હાઈ કોર્ટે આ દલીલ નકારીને સરકારના મર્યાદિત પ્રતિબંધના નિર્ણયને જનહિતમાં યોગ્ય ગણાવ્યો હતો.

neet exam indian air force delhi high court Education national news news