News in Shorts: જયપુરમાં બોલી અને સાંભળી ન શકતા સ્ટુડન્ટ્સનું આંદોલન, પ્રિન્સિપાલ સસ્પેન્ડ

08 August, 2026 09:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

News in Shorts: દિલ્હી હાઈ કોર્ટે ડાબર ઇન્ડિયાને આપી રાહત; ભારતનું વિદેશમંત્રાલય હવે સ્નૅપચૅટ પર

સાઇન-લૅન્ગ્વેજમાં સ્કૂલમાં સુવિધાઓનો અભાવ છે એ જણાવ્યું, શિક્ષણવિભાગે લીધી ઍક્શન

રાજસ્થાનના જયપુરમાં સાંભળવાની અને બોલવાની ખામી ધરાવતાં બાળકો માટેની સરકારી સ્કૂલ શેઠ આનંદીલાલ પોદાર ડેફ હાયર સેકન્ડરી સ્કૂલમાં જરૂરી સુવિધાઓના અભાવમાં વિદ્યાર્થીઓએ બુધવારે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમણે તેમની સાઇન-લૅન્ગ્વેજમાં પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. એના પગલે રાજસ્થાનના શિક્ષણ વિભાગે સ્કૂલના પ્રિન્સિપાલ ભરત જોશીને સસ્પેન્ડ કર્યા હતા અને કૅમ્પસનું નિરીક્ષણ કરવા અને વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે એક ખાસ સમિતિની રચના કરી હતી. જૉઇન્ટ ડિરેક્ટર (સ્કૂલ એજ્યુકેશન) જયપુર વિભાગે મુખ્ય બ્લૉક શિક્ષણ-અધિકારીના નેતૃત્વમાં એક તપાસટીમની રચના કરી છે અને સમગ્ર મામલાની વિગતવાર તપાસનો નિર્દેશ આપ્યો છે. નિયમો મુજબ દોષી અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

દિલ્હી હાઈ કોર્ટે ડાબર ઇન્ડિયાને આપી રાહત, FSSAIના પ્રતિબંધ પર સ્ટે લગાવી દીધો

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા ડાબર ઇન્ડિયાને ૧૦૦ ટકાનો દાવો કરતાં અનેક ખાદ્ય-ઉત્પાદનો વેચવા પર મૂકવામાં આવેલા પ્રતિબંધ પર ગઈ કાલે દિલ્હી હાઈ કોર્ટે સ્ટે લગાવ્યો હતો અને કંપનીને રાહત આપી હતી. દિલ્હી હાઈ કોર્ટે ડાબર ઇન્ડિયાની તરફેણમાં ચુકાદો આપીને સ્ટે આપ્યો હતો. જસ્ટિસ અમિત મહાજને ત્રીજી ઑગસ્ટે FSSAIના આદેશને પડકારતી ડાબરની અરજીની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકાર, FSSAI અને અન્ય સંબંધિત પક્ષોને નોટિસ પણ આપી હતી. ૧૦૦ ટકા દાવાનું લેબલિંગ અસ્પષ્ટ અને ચકાસણીયોગ્ય નથી અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે એમ જણાવીને FSSAIએ ડાબર ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આદેશમાં FSSAIએ જણાવ્યું હતું કે ‘ડાબરની વેબસાઇટ પર સૂચિબદ્ધ ઉત્પાદનોમાં ૧૦૦ ટકા નૅચરલ, ૧૦૦ ટકા શુદ્ધ, ૧૦૦ ટકા શુદ્ધતાની ખાતરી, ૧૦૦ ટકા ઑર્ગેનિક અને ૧૦૦ ટકા ટેન્ડર કોકોનટ વૉટર જેવા દાવાઓ જોવા મળ્યા હતા. આવા દાવાઓ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ (જાહેરાત અને દાવાઓ) રેગ્યુલેશન્સ, 2018નું ઉલ્લંઘન કરે છે.’

જેન-ઝી સુધી પહોંચવા માટે ભારતનું વિદેશમંત્રાલય હવે સ્નૅપચૅટ પર

સોશ્યલ મીડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મ જેવાં કે X, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર હાજરી ધરાવતું ભારતનું વિદેશમંત્રાલય હવે સ્નૅપચૅટ પર આવી ગયું છે. આ મંત્રાલયના સ્નૅપચૅટમાં જોડાવાના નિર્ણયને જેન-ઝી સાથે સંપર્ક વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. વિદેશમંત્રાલય યુવા નાગરિકો સુધી પહોંચવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પેપર-લીક સામે દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ બાદ સરકાર યુવાનો અને ખાસ કરીને જેન-ઝી સુધી પહોંચવા માટેના એના પ્રયાસોને વધુ તીવ્ર બનાવી રહી છે. આ વિરોધ બાદ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર આવ્યા હતા અને રાત્રે સેલ્ફી-વિડિયો બનાવીને યુવાનોને સંબોધ્યા હતા. વડા પ્રધાને પ્રધાનોને ઇન્સ્ટાગ્રામ પર ઍક્ટિવ રહેવા પણ કહ્યું હતું. આ સંદર્ભમાં ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ટ્વિટર પર શૅર કરેલી પોસ્ટમાં આ માહિતી આપી છે. રણધીર જાયસવાલે લખ્યું હતું કે ‘હવે અમે સ્નૅપચૅટ પર પણ છીએ. અમને પણ ઍડ કરો અને સ્પેશ્યલ સ્ટોરીઝ, અપડેટ્સ, રસપ્રદ કન્ટેન્ટ અને ઘણી જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો. ચાલો સ્નૅપ કરીએ.’       
 

national news news jaipur rajasthan delhi high court indian government social media