27 December, 2024 01:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લોગો
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ ગઈ કાલે તેમની ટીમ સાથે બોરીવલીના આર-સેન્ટ્રલ વૉર્ડમાં રસ્તાનાં ચાલી રહેલાં કામની મુલાકાત કરી હતી. બોરીવલી-વેસ્ટમાં ચીકુવાડી અને શિંપોલી સહિતના વિસ્તારોમાં એકસાથે અનેક રસ્તાનાં કામ હાથ ધરાવાને લીધે લોકોને મુશ્કેલી થઈ રહી હોવાની ફરિયાદો મળી રહી છે. આથી કમિશનરે રસ્તાનાં આ કામ લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી થાય એવી રીતે કરીને ઝડપથી પૂરાં કરવાનો નિર્દેશ આપ્યો હતો.
તસવીર : શાદાબ ખાન
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની હાલત કથળી રહી હોવા છતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એને મદદ કરવાની ના પાડી દીધી હોવાથી એના વિરોધમાં ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાપ્રણિત BEST કામગાર સેનાએ કાળી પટ્ટી બાંધીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ પ્રોટેસ્ટમાં મોટી સંખ્યામાં ડ્રાઇવરો અને કન્ડક્ટરો જોડાયા હતા.
નાગપુરના રેશિમ બાગ ગ્રાઉન્ડમાં શ્રી હરિ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં કથાકાર જયા કિશોરીનું ફૂલોના ગુલદસ્તાથી અભિવાદન કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ.
ગઈ કાલે શ્રીનગરના દલ લેક પર બરફની પાતળી લેયર બની ગઈ હતી. કાશ્મીરમાં ૨૧ ડિસેમ્બરથી ૪૦ દિવસનો અતિશય કઠોર ઠંડીનો ચિલ્લા-એ-કલાં નામનો સમયગાળો શરૂ થયો છે એનો આ પ્રતાપ છે.
તામિલનાડુ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ કે. અન્નામલાઈએ ગઈ કાલે કોઇમ્બતુરમાં જાહેરાત કરી હતી કે જ્યાં સુધી તેઓ તામિલનાડુમાંથી મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન અને તેમની પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ની સરકારને હટાવશે નહીં ત્યાં સુધી તેઓ પગમાં કંઈ પણ નહીં પહેરે. આ જાહેરાત કર્યા બાદ તેમણે પત્રકારો સામે જ તેમનાં શૂઝ ઉતારી દીધાં હતાં.