10 January, 2026 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી ટેક્નૉલૉજી વ્હીકલ-ટુ-વ્હીકલ (V2V) આવી હશે
કેન્દ્ર સરકાર માર્ગ-અકસ્માતો ઘટાડવા માટે એક નવી ટેક્નૉલૉજી વ્હીકલ-ટુ-વ્હીકલ (V2V) કમ્યુનિકેશન રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ ટેક્નૉલૉજીમાં તમારી કારને ખબર પડી જશે કે તમારી આગળ જઈ રહેલી કારે અચાનક બ્રેક લગાવી છે. આ ભલે ડ્રાઇવર ન જોઈ શકે અથવા તમારી કાર કોઈ બ્લાઇન્ડ-સ્પૉટમાં હોય તો તમારી કારને અગાઉથી ચેતવણી મળશે. આ બધું રિયલ ટાઇમમાં થશે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરો સાથેની બેઠક બાદ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આ મુદ્દે જણાવ્યું હતું કે ‘સરકાર આ V2V ટેક્નૉલૉજી પર કામ કરી રહી છે જે વાહનોને એકબીજા સાથે કમ્યુનિકેટ કરવાની મંજૂરી આપશે. આ ટેક્નૉલૉજી ડ્રાઇવરોને સ્પીડ, લોકેશન અને આવનારાં વાહનો વિશે તાત્કાલિક માહિતી આપશે. આના કારણે ડ્રાઇવરો સમયસર અને સચોટ નિર્ણયો લઈ શકશે અને અકસ્માતોનું જોખમ ઘટશે. આ ટેક્નૉલૉજી આશરે ૩૦૦થી ૫૦૦ મીટરના પરિસરમાં અન્ય વાહનોને ચેતવણીઓ મોકલવા અને પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. ડેડિકેટેડ શૉર્ટ રેન્જ કમ્યુનિકેશન (DSRC) અથવા 5G નેટવર્કની મદદથી આ શક્ય છે.