29 June, 2025 06:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો મળી આવ્યા અમાનવીય અવસ્થામાં
ઘણા વૃદ્ધો અર્ધનગ્ન અવસ્થામાં અથવા બેઝમેન્ટમાં બાંધેલી અવસ્થામાં જોવા મળ્યા, ઘણા વૃદ્ધો પેશાબના ડાઘવાળાં કપડાંમાં મળી આવ્યા : નોએડાના વૃદ્ધાશ્રમમાં ૩૯ વૃદ્ધોને બચાવી લેવામાં આવ્યા : વૃદ્ધાશ્રમમાં ઍડ્મિશન માટે ૨.૫ લાખ રૂપિયાના દાન ઉપરાંત સંસ્થા તેમના પરિવારો પાસેથી દર મહિને ૬૦૦૦ રૂપિયાનો ચાર્જ લેતી હતી
નોએડાના સેક્ટર પંચાવનમાં આવેલા આનંદ નિકેતન વૃદ્ધાશ્રમમાં અમાનવીય અને દયનીય અવસ્થામાં રાખવામાં આવેલા ૩૯ વૃદ્ધોને બચાવી લેવામાં આવ્યા હતા. આ વૃદ્ધાશ્રમ પર દરોડો પાડવામાં આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ જોયું હતું કે વૃદ્ધો રૂમમાં બંધ હતા અને તેમની સંભાળ રાખવા માટે કોઈ સ્ટાફ નહોતો; જ્યારે પુરુષ રહેવાસીઓને અંધારાવાળી, બેઝમેન્ટ જેવી રૂમમાં કેદ રાખવામાં આવ્યા હતા.
આ સંદર્ભમાં રાજ્ય મહિલા આયોગનાં સભ્ય મીનાક્ષી ભરલાએ જણાવ્યું હતું કે ‘કેટલાક વૃદ્ધોએ પેશાબ અને મળના ડાઘવાળાં કપડાં પહેરેલાં હતાં, જ્યારે કેટલાક કપડાં વિના જોવા મળ્યા હતા. એક વૃદ્ધ મહિલાને કપડાંથી બાંધીને એક રૂમમાં બંધ કરવામાં આવી હતી.’
આ વૃદ્ધાશ્રમમાં ઍડ્મિશન માટે ૨.૫ લાખ રૂપિયાના દાન ઉપરાંત સંસ્થા તેમના પરિવારો પાસેથી દર મહિને ૬૦૦૦ રૂપિયાનો ચાર્જ લેતી હતી.
વૃદ્ધાશ્રમ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને વૃદ્ધોને થોડા દિવસોમાં સરકારી વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવી રહ્યા છે.
પોલીસના દરોડા દરમ્યાન નર્સ હોવાનો દાવો કરતી એક મહિલા મળી આવી હતી, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે તે માત્ર બારમું ધોરણ પાસ હતી. રહેવાસીઓને પોતાની સંભાળ જાતે જ રાખવાની ફરજ પાડવામાં આવી હતી.
વિડિયો વાઇરલ થયા બાદ ઍક્શન
વૃદ્ધાશ્રમની ખરાબ સ્થિતિનો એક વિડિયો વાઇરલ થયો હતો જેને લખનઉના સમાજ કલ્યાણ વિભાગને પણ મોકલવામાં આવ્યો હતો. આ ટૂંકી ક્લિપમાં એક વૃદ્ધ મહિલાને હાથ બાંધીને રૂમમાં રાખવામાં આવી હતી. વિડિયો વાઇરલ થયા પછી રાજ્ય મહિલા આયોગ અને નોએડા પોલીસે ગુરુવારે દરોડો પાડ્યો હતો અને ૩૯ વૃદ્ધોને બચાવ્યા હતા.