સાઉથ આફ્રિકાથી મધ્ય પ્રદેશ આવેલી વિદેશી મહિલા ગુમ, તંત્રએ લોકો પાસે માગી મદદ

29 November, 2021 02:00 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત હવે મધ્યપ્રદેશમાં પણ છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત હવે મધ્યપ્રદેશમાં પણ છે. આફ્રિકી દેશ બોત્સવાનાથી જબલપુર આવેલી એક મહિલાને કારણે ભોપાલથી દિલ્હી સુધી હડકંપ મચ્યો છે. આ મહિલા 18 નવેમ્બરે દિલ્હી એરપોર્ટથી એર ઈન્ડિયા ફ્લાઈટમાં જબલપુર પહોંચી હતી, પરંતુ હજી સુધી તેનો કોઈ પત્તો નથી. 

એર ઈન્ડિયાએ સોમવારે આ જાણકારી આપી છે. સ્વાસ્થ્ય વિભાગ અને વહિવટ તંત્રના અધિકારીઓ તે મહિલાની શોધખોળમાં લાગી ગયા છે. આ સાથે જ મહિલાને વહેલી તકે શોધવા માટે તંત્રએ હેલ્પલાઈન નંબર પર જાહેર કર્યો છે. 

ઓમિક્રોનને સમગ્ર દુનિયામાં ફરી ખળભળાટ મચાવ્યો છે.  આ વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધારે જોખમી છે. સાઉથ આફ્રિકા સહિત કેટલાક દેશોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. તેવામાં સાઉથ આફ્રિકાથી એક મહિલા મધ્ય પ્રદેશના જબલપુરમાં આવી હોવાના સમાચાર સામે આવ્યાં છે. આ મહિલા આવી ત્યારથી ગુમ છે. તેથી તંત્ર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. તંત્રએ કેટલાય ગેસ્ટ હાઉસ અને હોટલોની તપાસ કરી, પરંતુ મહિલાનો કોઈ પત્તો નથી. આખરે તંત્રએ મહિલાને શોધી કાઢવા હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. 

આ ઉપરાંત મહિલા સાથે ફ્લાઈટમાં કેટલા લોકો હતાં? અને તે લોકો ક્યાંના હતા તે અંગે પણ તપાસ કરલામાં આવી રહી છે. આ તમામ લોકોની તપાસ કરી તેમના રિપોર્ટ કરવામાં આવશે. તેમજ વિદેશી મહિલાનું સેમ્પલ લઈ તેને જિનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવશે. 

આ વિદેશી મહિલાને શોધવા તંત્ર કામગીરીમાં લાગી ગયું છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે વિદેશી મહિલાની ભાળ મળતાં જ તેમના કોન્ટેક્ટનું  ટ્રેસિંગ કરવામાં આવશે. આ સાથે જ આરોગ્ય વિભાગે રવિવારે આ અંગે એલર્ટ જાહેર કરી લોકોની મદદ માગી છે. 

એવું કહેવામાં આવ્યું છે કે 18 નવેમ્બરે દિલ્હીથી જબલપુર આવેલી બોત્સ્વાના મહિલા વિશે કોઈને કોઈ માહિતી હોય તો ડૉ.પ્રિયાંક દુબે-9111007776, ડૉ. વિભોર હજારી-9039095222 અને ડૉ. વિવેક ઠાકુર-8962548384 મોબાઈલ નંબરો પર માહિતી આપો. હોટલ સંચાલકો પાસેથી વિદેશી નાગરિકોની માહિતી પણ માંગવામાં આવી છે.

national news madhya pradesh coronavirus