14 May, 2025 04:30 PM IST | Shopian | Gujarati Mid-day Online Correspondent
આતંકવાદીઓના હથિયારો, ગ્રેનેડ, કારતૂસ, બેકપેક અને પર્સનો મોટો જથ્થો (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
ભારતીય સેનાએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં `ઑપરેશન કેલર` હેઠળ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ૧૩ મેના રોજ સેના દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને શોધખોળમાં આતંકવાદીઓના હથિયારો, ગ્રેનેડ, કારતૂસ, બેકપેક અને પર્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ઑપરેશન કેલર ભારતીય સેનાનું એક વિશિષ્ટ આતંકવાદ વિરોધી ઑપરેશન છે, જે ચાલી રહેલા ઑપરેશન `સિંદૂર` ની સમાંતર ચલાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે 7 મેના રોજ ઑપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના શોપિયન જિલ્લાના શોએકલ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતીના આધારે 13 મેના રોજ ઑપરેશન કેલર શરૂ કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાએ એક સત્તાવાર પોસ્ટમાં જણાવ્યું હતું કે, "ઑપરેશન કેલર - 13 મે 2025 ના રોજ, રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટ દ્વારા આપવામાં આવેલી આતંકવાદીઓની હાજરી વિશેની ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેનાએ શોધ અને નાશ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન, આતંકવાદીઓ તરફથી ભારે ગોળીબાર થયો હતો, જેનો જવાબમાં ત્રણ હાર્ડકોર આતંકવાદીઓને ઠાર કર્યા હતા."
આ ઑપરેશન ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (Central Reserve Police Force) અને ઇન્ટેલિજેન્સ એજન્સીના સંયુક્ત પ્રયાસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કરના ટોચના કમાન્ડર શાહિદ કુટ્ટેનો પણ સમાવેશ થાય છે. અન્ય બેમાંથી એકની ઓળખ અદનાન શફી તરીકે થઈ છે, જ્યારે ત્રીજાની ઓળખ થવાની હજી બાકી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહિદ કુટ્ટે 2023માં આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો અને તે `કેટેગરી A` આતંકવાદી હતો. તે 22 એપ્રિલે કાશ્મીરના પહલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલામાં પણ સામેલ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. હુમલાના ચાર દિવસ પછી, 26 એપ્રિલના રોજ, વહીવટીતંત્ર દ્વારા કુટ્ટેનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીને ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. સેના અને પોલીસનું કહેવું છે કે ઑપરેશન કેલર હજી પણ ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઑપરેશન વધુ તીવ્ર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફરી અથડામણ શરૂ થઈ હતી. સતત ગોળીબાર બાદ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. પછી થોડી વારમાં, વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા. આ એન્કાઉન્ટર શોપિયાના જામ્પાથ્રી કેલર વિસ્તારમાં થયું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પહેલો આતંકી શાહિદ અહમદ શોપિયાંના ચોટિપોરા હીરપોરાનો રહેવાસી હતો. તે 08 માર્ચ, 2023ના રોજ લશ્કરમાં સામેલ થયો હતો. બીજો આતંકવાદી અદનાન શફી શોપિયાના વંદુના મેલહોરાનો રહેવાસી હતો. તે 18 ઓક્ટોબર, 2024 ના રોજ શોપિયાના વાચીમાં સ્થળાંતરિત મજૂરની હત્યામાં સામેલ હતો. ત્રીજો આતંકવાદી આમીર અહેમદ ડાર હતો જે 28 વર્ષનો હતો.