હવે મેઘાલયમાં ઑપરેશન લોટસ થવાના ભણકારા

31 August, 2026 08:22 AM IST  |  Shillong | Gujarati Mid-day Correspondent

 BJPના MLA બેથી વધીને સીધા ૧૫ સુધી પહોંચી જશે

પ્રતીકાત્મક તસવીર

મેઘાલયમાં ઑપરેશન લોટસ શરૂ થયું છે અને એનાથી માત્ર બે સભ્યો ધરાવતી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્યોની સંખ્યા સીધી ૧૫ સુધી પહોંચી જશે. યુનાઇટેડ ડેમોક્રૅટિક પાર્ટી (UDP)ના બારમાંથી કમસે કમ ૯ વિધાનસભ્યો અને મમતા બૅનરજીની તૃણમૂલ કૉન્ગ્રેસ પાર્ટીના તમામ ૪ વિધાનસભ્યો BJPમાં સામેલ થવા તૈયાર છે.
રાજ્યના BJPના નેતાઓએ આ મુદ્દે જણાવ્યું હતું કે ‘વાતચીત ચાલી રહી છે. તૃણમૂલ કૉન્ગ્રેસના ગ્રુપમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. મુકુલ સંગમાનો પણ સમાવેશ છે. ૬૦ વિધાનસભ્યો ધરાવતી મેઘાલય વિધાનસભામાં UDPના ૧૨ અને તૃણમૂલ કૉન્ગ્રેસ પાર્ટીના ૪ વિધાનસભ્યો છે. એમાંથી કેટલાકે દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હતી.’
નૅશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના નેતૃત્વવાળા મેઘાલય ડેમોક્રૅટિક અલાયન્સ સરકારમાં ઘટક એવા UDPમાં કૅબિનેટમાં ફેરફાર પછી અસંતોષ વધી ગયો છે. NPP પાસે ૩૩ વિધાનસભ્યો છે અને તે એકલી જ સરકાર ચલાવી શકે છે. NPP હાલમાં કેન્દ્ર સરકારમાં સહયોગી પાર્ટી છે.

meghalaya shillong bhartiya janta party bjp tmc political news news national news