✕

રાહુલ ગાંધી SIRના બહાને દેશમાં ઘૂસણખોરોને બચાવવા માગે છે

14 October, 2026 04:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમિત શાહે કૉન્ગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે બૅલટ-પેપરથી થતી ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી જ જીતે છે

ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં રાહુલ ગાંધી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે જણાવ્યું કે ‘રાહુલ ગાંધી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના બહાને દેશમાં ઘૂસણખોરોને બચાવવા માગે છે, પરંતુ જનતા તેમને ક્યારેય સફળ થવા દેશે નહીં. રાહુલ ગાંધી વારંવાર ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) વિશે સવાલો ઉઠાવે છે, પરંતુ બૅલટ-પેપરથી થતી સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી (BJP)ની જ ભવ્ય જીત થાય છે.’ 
અ‌મિત શાહે સ્પષ્ટ કહ્યું કે ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસે સળંગ ચોથી કારમી હાર માટે અત્યારથી જ તૈયાર રહેવું જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJPની લોકપ્રિયતા વિશે વાત કરતાં તેમણે યાદ અપાવ્યું કે ગુજરાતમાં કૉન્ગ્રેસ છેલ્લાં ૪૧ વર્ષથી એક પણ ચૂંટણી જીતી શકી નથી, બંગાળમાં ૫૪ વર્ષથી અને ત્રિપુરામાં ૩૩ વર્ષથી કૉન્ગ્રેસ સતત હારી રહી છે. 
બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ દાયકાઓથી તેમને નકારવામાં આવ્યા છે, જ્યારે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા ત્યારથી પક્ષ સતત હારી રહ્યો છે એમ જણાવતાં અ‌મિત શાહે કટાક્ષ કર્યો કે ‘મીડિયા સમક્ષ જૂઠાણું ફેલાવવાથી જનતાનો વિશ્વાસ ક્યારેય જીતી શકાતો નથી. ૧૪ પક્ષોને ભેગા કરીને માત્ર ૮૦૦૦ લોકોની ભીડ એકઠી કરવાથી તેઓ ક્યારેય દેશનો અવાજ બની શકતા નથી. અસલી અવાજ તો ગામડાંઓ, જંગલો અને નદીના કિનારે છે જ્યાં કૉન્ગ્રેસની કોઈ પહોંચ જ નથી એથી તેમણે હવે ગંભીરતાથી આત્મચિંતન કરવાની ખૂબ જરૂર ઊભી થઈ છે.’

લોકશાહી બચાવવા માટે વિપક્ષી ગઠબંધન દ્વારા રચના કરવામાં આવશે INDIA પ્લસની

પોતાને ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ (INDIA) તરીકે ઓળખાવતા વિપક્ષી ગઠબંધને મંગળવારે રાહુલ ગાંધીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં લોકશાહી બચાવવા માટે INDIA પ્લસ મંચ બનાવવાની જાહેરાત કરી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરોને પણ જોડવામાં આવશે. વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હોવાથી કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી મધ્ય દિલ્હીમાં નવી કોઈ મોટી કૂચ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. 
બીજી તરફ જંતર મંતર ખાતે દેખાવો ચાલુ રાખવામાં આવશે. રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રણાલી અને જંતર મંતર પરના પ્રતિબંધ વિશે ચિંતા વ્યક્ત કરીને એને લોકશાહી બચાવવાનું મોટું મિશન ગણાવ્યું હતું. 

amit shah rahul gandhi election commission of india special intensive revision sir national news new delhi india