અગ્નિવીર યોજના પર સરકાર અને વિપક્ષ સામસામે

27 July, 2024 09:26 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અગ્નિવીર પર વિપક્ષ જૂઠ ફેલાવે છે : નરેન્દ્ર મોદી, અગ્નિવીર યોજનાને રદ કરો : કાર્તિ ચિદમ્બરમ

નરેન્દ્ર મોદી અને કાર્તિ ચિદમ્બરમ

અગ્નિવીર યોજનાના બચાવમાં વડા પ્રધાન મોદીએ જે કહ્યું એની ટીકા કરતાં કૉન્ગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમે ગઈ કાલે આ યોજનાને તાત્કાલિક રદ કરવાની માગણી કરી હતી. કારગિલ વિજય દિવસ પ્રસંગે અગ્નિવીર યોજના વિશે બોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘ડિફેન્સ સેક્ટરમાં રિફૉર્મ્સ માટે ભારતીય સેનાની પ્રસંશા કરું છું. તેમણે ઘણા સાહસિક નિર્ણયો લીધા છે, જેમાં અગ્નિવીર યોજના સામેલ છે. દશકો સુધી સંસદમાં સેનાઓને યુવા બનાવવા પર ચર્ચા થતી હતી. અમે એના પર કામ કર્યું અને હવે વિપક્ષે એને રાજકારણનો વિષય બનાવી દીધો છે. તે લોકો નથી ઇચ્છતા કે સેનાને આધુનિક હથિયારો મળે, ફાઇટર પ્લેન મળે. તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે કે સરકાર પેન્શન બચાવવા માટે આ યોજના લાવી છે. હું પૂછવા માગું છું કે શું તેમને આજે જ પેન્શન આપવાનું છે? તેમને ૩૦ વર્ષ બાદ પેન્શન આપવાનું આવશે, ત્યારે મોદી ૧૦૫ વર્ષના હશે. શું ત્યારે મોદી સરકાર હશે? જેમણે ૫૦૦ કરોડ બતાવીને વન રૅન્ક વન પેન્શનનાં સપનાં બતાવ્યાં હતાં તેઓ અગ્નિવીર યોજના સામે સવાલ ઉઠાવી રહ્યા છે. ક્યાં ૫૦૦ કરોડ અને ક્યાં સવા લાખ કરોડ, કેટલું જૂઠ?’

જોકે આ મુદ્દે કૉન્ગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમે કહ્યું હતું કે ‘અગ્નિવીર યોજનાને તાત્કાલિક રદ કરવી જોઈએ. આધુનિક હથિયારો સેનાના સંપૂર્ણ રીતે ટ્રેઇનિંગ પામેલા સૈનિકો માટે છે અને આ યોજનામાં સૈનિકોને પૂરી ટ્રેઇનિંગ અપાતી નથી. અગ્નિવીર યોજના સેનાની જરૂરિયાતો પૂરી કરતી નથી. ઇન્ડિયન આર્મીનો ભવ્ય ભૂતકાળ છે અને એની સાથે રાજકારણ ખેલવાની જરૂર નથી.’

national news narendra modi bharatiya janata party congress political news india