26 April, 2025 06:58 AM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
બાંદીપોરા એન્કાઉન્ટર
પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારત સરકાર ઉપરાંત, સેના પણ કાર્યવાહીમાં છે. શુક્રવારે બાંદીપોરામાં સેનાને મોટી સફળતા મળી હોવાના સમાચાર છે. સેનાએ એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અલ્તાફ લલ્લી ઠાર થયો. ઉલ્લેખનીય છે કે પહલગામ હુમલાની જવાબદારી લશ્કર સાથે સંકળાયેલી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી. બુધવારે આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર કારેને હત્યા કરી દીધી હતી.
22 એપ્રિલના હત્યાકાંડ બાદ, ભારતીય સેનાએ ખીણમાં ઝડપી તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, સેનાને ખીણમાં આતંકવાદીઓ હાજર હોવાની ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આતંકવાદીઓનું સ્થાન મળ્યા બાદ, સેના અને આતંકવાદીઓ વચ્ચે લાંબી એન્કાઉન્ટર થઈ હતી. શુક્રવાર સવારથી બાંદીપોરામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઑપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.
આવા જ એક એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઘાયલ થયાના સમાચાર હતા. આ દરમિયાન બે સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે પહલગામ આતંકવાદી હુમલા પછી, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ ચોથી એન્કાઉન્ટર છે. ગુરુવારે અગાઉ સુરક્ષા દળોએ ઉધમપુરના ડુડુ બસંતગઢમાં કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાના એક હવાલદાર પણ શહીદ થયા હતાં.
આ એન્કાઉન્ટર પહેલા સુરક્ષા દળના જવાનો આદિલ અને આસિફ શેખના ઘરે સર્ચ ઓપરેશન માટે પહોંચ્યા હતા ત્યાં જવાનોને કશુંક શંકાસ્પદ લગતા ભયનો અહેસાસ થયો હતો. ત્યારબાદ સુરક્ષા દળના જવાનો પાછળ હટી ગયા હતા અને કહેવાય છે કે ત્યાં મોટો વિસ્ફોટ થયો હતો. જેમાં ઘરને ઉડાવી દેવામાં આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે ઘરમાં વિસ્ફોટક સામગ્રી હતી. આ જ કારણસર ઘરમાં વિસ્ફોટ થયો હતો. આ કાવતરા પાછળ જે નામ જોડાયેલ છે તે આદિલ થોકર પણ લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી છે. જે આદિલ ગુરી તરીકે ઓળખાય છે. તે બિજબેહરાનો રહેવાસી છે. તેનું જ ઘર આ વિસ્ફોટમાં ઉડી ગયું છે. પહેલગામ હુમલામાં આદિલનું નામ પણ સામે આવ્યું હતું.
પહલગામના આતંકવાદી હુમલામાં ૨૬ ટૂરિસ્ટ્સનાં મૃત્યુ થયાં હતાં એ પછીથી કેન્દ્ર સરકાર ઍક્શન મોડમાં આવી ગઈ છે. આની વચ્ચે દિલ્હીમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સર્વપક્ષીય બેઠકની શરૂઆતમાં પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓના આત્માની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું હતું. બેઠકમાં હાજર તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ સ્વીકાર્યું હતું કે સરકારની ભૂલ થઈ છે. તેમણે કહ્યું કે આ ઘટના કેવી રીતે બની અને ભૂલ ક્યાં થઈ એની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી. અમારા અધિકારીઓએ ઘટના કેવી રીતે બની હતી એ જણાવ્યું હતું.