23 April, 2025 03:52 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પહલગામ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓના ફોટા (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
સુરક્ષા અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ બુધવારે પહલગામ હુમલામાં સંડોવાયેલા ચાર આતંકવાદીઓના ફોટોઝ જાહેર કર્યા. આતંકવાદી હુમલામાં 28 પ્રવાસીઓના મૃત્યુના એક દિવસ બાદ આ તસવીરો જાહેર કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, ચાર આતંકવાદીઓમાંથી બે પાકિસ્તાની નાગરિક છે. આ બધા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (LeT) ની શાખા, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે જોડાયેલા હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે. એક આતંકવાદીની ઓળખ આસિફ ફૌજી તરીકે થઈ છે.
પહલગામ પ્રવાસી હુમલામાં સંડોવાયેલા ચાર આતંકવાદીઓના ફોટોઝ
સુરક્ષા એજન્સીઓએ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના સ્કૅચ પણ જાહેર કર્યા છે. આજે સવારે એક આતંકવાદીની તસવીર પણ જાહેર કરવામાં આવી હતી. આ તસવીરમાં, આતંકવાદી AK-47 રાઇફલ સાથે દેખાય છે. ત્રણેય આતંકવાદીઓના કોડ નેમ આ પ્રમાણે હતા- મૂસા, યુનુસ અને આસિફ અને તેઓ પૂંછમાં થયેલી આતંકવાદી ઘટનાઓમાં પણ સામેલ હતા.
આતંકવાદીઓના સ્કૅચ
મંગળવારે, આ ચાર આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહલગામથી લગભગ છ કિલોમીટર દૂર બૈસરન ખીણમાં વેકેશન માણી રહેલા પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. બૈસરન ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું `મીની સ્વિટ્ઝર્લૅન્ડ` તરીકે ઓળખાતું એક વિશાળ ઘાસનું મેદાન છે. સાક્ષીઓના જણાવ્યા મુજબ, આતંકવાદીઓ બપોરે 2:30 વાગ્યાની આસપાસ ઘાસના મેદાનમાં દેખાયા હતા. હુમલો થયો તે ક્ષણના વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં 10-12 આતંકવાદીઓ સામેલ હોવાની માહિતી છે.
કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા
હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવી દીધી હતી. તેઓ બુધવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા અને ઍરપોર્ટ પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આતંકવાદી હુમલાના પીડિતોને મળીને તેમને શ્રદ્ધાંજલિ આપી અને બૈસરનની મુલાકાત લીધી. પીએમ મોદીએ આ હુમલાની નિંદા કરી, તેને `નિર્દોષ નાગરિકો પર કાયર હુમલો` ગણાવ્યો. તેમણે ગૃહમંત્રીને આ ઘટનાનો ઉકેલ લાવવા માટે ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. મોદીએ પ્રદેશમાં ન્યાય અને જાહેર સલામતી પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. હુમલા બાદ ભારત પાછા આવ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો કાફલો છોડી સીધા અજીત ડોભાલને મળ્યા હતા. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો હુમલો છે.
મરણાંક
બુધવારે પુણેના બે ઘાયલ પ્રવાસીના મૃત્યુ બાદ આતંકવાદી હુમલામાં મરણાંક 28 પર પહોંચી ગયો અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો થયો ત્યારે બૈસરન ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતાં. મૃતકોમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓ સામેલ છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને આ હુમલામાં બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા હતા.