24 April, 2025 08:30 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ચાર આતંકવાદીઓની તસવીરો અને ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા.
મંગળવારે બપોરે પહલગામમાં કરવામાં આવેલા હુમલા વિશે એવું જાણવા મળે છે કે પહેલાં ૧થી ૭ એપ્રિલ વચ્ચે આતંકવાદીઓએ આ વિસ્તારની રેકી કરી હતી. તેમણે એ નોંધ્યું હતું કે બૈસરન ઘાટીમાં સુરક્ષા દળોની તહેનાતી હોતી નથી એથી ટૂરિસ્ટો સૉફ્ટ ટાર્ગેટ બની શકે છે અને એથી ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ હુમલો પાર પાડવામાં આવ્યો હતો. સુરક્ષા દળોને ઘટનાસ્થળેથી નંબર-પ્લેટ વિનાની એક મોટરસાઇકલ મળી છે. એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓએ એનો ઉપયોગ કર્યો હશે. એવું જાણવા મળે છે કે પ્રતિબંધિત આતંકવાદી ગ્રુપ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના કમાન્ડર સેફુલ્લાહ ખાલિદે ષડ્યંત્ર રચ્યું હતું.
સર્ચ ઑપરેશન શરૂ
આ હુમલામાં ૨૬ લોકોનાં મૃત્યુ થયાં છે જેમાંથી ૨૫ ભારતીય નાગરિક છે અને એક નેપાલી છે. આતંકવાદીઓ હુમલો કર્યા બાદ નાસી છૂટ્યા છે અને તેમને શોધી કાઢવા માટે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સ્થાનિક આતંકવાદીઓનો સાથ
આ હુમલો કરવા માટે પાકિસ્તાનથી ટ્રેઇનિંગ લઈને આવેલા આતંકવાદીઓને સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓએ લૉજિસ્ટિક સપોર્ટ આપ્યો હશે અને સાથે મળીને તેમણે આ હુમલાને અંજામ આપ્યો હશે. આ મુદ્દે સૂત્રોએ જણાવ્યું હતું કે સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સની મદદથી તેમણે આ વિસ્તારની મુલાકાત લઈને હુમલા પહેલાંનું ગ્રાઉન્ડ વર્ક કર્યું હતું.
બૉડી કૅમેરા પહેર્યા હતા
પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે આતંકવાદીઓએ તેમના શરીર પર બૉડી કૅમેરા પહેર્યા હતા અને એથી તેમણે જે હુમલો કર્યો હતો એનું આખું રેકૉર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. આમ આતંકવાદીઓએ આખા હુમલાની વિડિયોગ્રાફી પણ કરી હતી.
પુરુષ અને મહિલાને અલગ કર્યાં
ત્રણ આતંકવાદીઓએ હુમલાના સ્થળે મહિલાઓ અને પુરુષોને અલગ કરી દીધાં હતાં. ત્યાર બાદ તેઓ મુસ્લિમ નથી એ ચકાસણી કરી હતી અને તમામ હિન્દુ ટૂરિસ્ટોને એકદમ નજીકથી ગોળી મારી હતી. ભાગવાનો પ્રયાસ કરનારા ટૂરિસ્ટો પર પણ ગોળીઓ છોડવામાં આવી હતી. શરીરમાંથી ખૂબ જ લોહી વહી જવાથી ટૂરિસ્ટોનાં મૃત્યુ થયાં હતાં.
કોણ છે સૈફુલ્લાહ ખાલિદ?
પહલગામ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગ્રુપ લશ્કર-એ-તય્યબાના ટેરર ગ્રુપ TRFએ લીધી છે. આ ગ્રુપના કમાન્ડર સૈફુલ્લાહ ખાલિદે હુમલાનું ષડ્યંત્ર રચ્યું હતું. સૈફુલ્લાહ ખાલિદ સૈફુલ્લાહ કસુરી તરીકે પણ ઓળખાય છે અને તે લશ્કર-એ-તય્યબાનો ડેપ્યુટી ચીફ છે. તે પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદ સાથે સંપર્ક જાળવી રાખે છે. ખાલિદને પાકિસ્તાનનો ફુલ સપોર્ટ છે અને પાકિસ્તાની આર્મી ઑફિસરોનો ફેવરિટ છે અને પાકિસ્તાનમાં તે ખુલ્લેઆમ હરેફરે છે. તે જિહાદી ભાષણો આપવા માટે નામચીન છે. તે પાકિસ્તાની આર્મીને પણ ભડકાવે છે અને યુવાનોનું બ્રેઇનવૉશ કરે છે. થોડા સમય પહેલાં તેણે પાકિસ્તાનના પંજાબમાં કંગનપુર ખાતે જિહાદી સ્પીચ આપી હતી.
TRF શું છે?
૨૦૨૪માં કેન્દ્ર સરકારે TRF પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે આ આતંકવાદી સંગઠન યુવાનોનું બ્રેઇનવૉશ કરે છે અને ઑનલાઇન માધ્યમથી આતંકવાદનું પ્રશિક્ષણ આપે છે. આ ગ્રુપ જમ્મુ અને કાશ્મીરમાં દાણચોરી, ઘૂસણખોરી અને શસ્ત્રોની હેરફેરમાં સંડોવાયેલું છે.
લશ્કર-એ-તૈય્યબા પર પ્રતિબંધ બાદ ૨૦૧૯માં આ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. TRF કમાન્ડર શેખ સજ્જાદ ગુલને અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ, ૧૯૬૭ કાયદા હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. આ ગ્રુપ જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકો, સિક્યૉરિટી દળો અને રાજકીય નેતાઓને પોતાના ટાર્ગેટ બનાવે છે.