સાઇબર અટૅકથી સુરક્ષિત રહેવા માટે શું ધ્યાન રાખશો?

14 May, 2025 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારા મહત્ત્વપૂર્ણ ડેટાને ક્લાઉડ સ્ટોરેજ અથવા એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં સ્ટોર કરીને રાખો

પ્રતીકાત્મક તસવીર

ભારત-પાકિસ્તાન વચ્ચે હાલમાં તનાવની સ્થિતિ છે. પાકિસ્તાન સાઇબર અટૅકનો સહારો લઈને ભારતીયોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાનના હૅકર્સ ભારતીય યુઝર્સને નિશાન બનાવી રહ્યા છે એવામાં સતર્ક રહેવું અને ડિજિટલ ડેટા ચોરી ન થાય એ માટે મોબાઇલમાં કેટલાંક સેટિંગ કરવાં ખૂબ જરૂરી છે

બૉર્ડર પર તનાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના સાઇબર અટૅકર્સ સક્રિય થયા છે. ડાન્સ ઑફ ધ હિલેરી નામના વાઇરસની ચર્ચા થઈ રહી છે. આ એક માલવેર છે જે વૉટ્સઍપ, ફેસબુક, ટેલિગ્રામ જેવાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વિડિયો અને ડૉક્યુમેન્ટના ફૉર્મેટમાં એ મોકલવામાં આવી રહ્યો છે. આ વિડિયો, ડૉક્યુમેન્ટને ઓપન કરવાની સાથે જ વાઇરસ મોબાઇલમાં દાખલ થઈ જશે. એ વાઇરસ પર્સનલ અને બૅન્કિંગ ડીટેલ્સ ચોરી કરી લેશે. એટલે આનાથી બચવા માટે આપણને સતર્ક રહેવાની તેમ જ મોબાઇલ અને કમ્પ્યુટરને સિક્યૉર કરવાની
જરૂર છે.

શું સાવધાની રાખવી?

 ભારતનો કન્ટ્રી-કોડ જેમ +91 છે એવી જ રીતે પાકિસ્તાનનો કન્ટ્રી કોડ +92 છે. એટલે શરૂઆતમાં +92 હોય એવા નંબરથી આવતો કૉલ રિસીવ કરવાનું ટાળો.

 વૉટ્સઍપ, ટેલિગ્રામ, ઈ-મેઇલ પર કોઈ મેસેજ, લિન્ક, ફાઇલ આવી હોય તો એને ખોલવાનું ટાળો. સાથે જ સેટિંગ્સમાં જઈને આવશ્યક લાગે એટલી પ્રાઇવસી અને સિક્યૉરિટી સેટિંગ્સને ઑન કરી દો.

 લોકો લિન્ક પર ક્લિક કરવા માટે મજબૂર થઈ જાય એ માટે હૅકર્સ લલચામણી ઑફર આપતા હોય છે. એટલે કોઈ પણ જાતની લાલચમાં આવીને આવી લિન્ક ખોલવાનું ટાળવું જોઈએ.

 પાકિસ્તાની ડોમેન લિન્ક .pkની કોઈ લિન્ક, URL ન ખોલો.

 હંમેશાં ટૂ-ફૅક્ટર ઑથેન્ટિફિકેશનને ઑન રાખો.

 ડિવાઇસમાં ઍન્ટિ-સ્પાયવેર સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરો.

 કોઈ પણ અજાણી ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ ન કરો.

 કમ્પ્યુટરમાં ઍન્ટિવાઇરસ અને ફાયરવૉલ ઇન્સ્ટૉલ કરો અને ઍક્ટિવ રાખો.

 ફોન, કમ્પ્યુટર, ઍપ્સ અને ઍન્ટિવાઇરસ સૉફ્ટવેરને અપડેટ રાખો. અપડેટ એ કમજોરીઓને ઠીક કરે છે જેનો ઉપયોગ હૅકર્સ કરી શકે છે.

 એ વસ્તુનું ધ્યાન રાખો કે તમારો પાસવર્ડ સ્ટ્રૉન્ગ હોય. એમાં લેટર્સ, સિમ્બૉલ્સ, નંબર્સ બધું જ હોવું જોઈએ. સાથે જ બધા માટે એક જ પાસવર્ડ રાખવાનું ટાળવું જોઈએ.

 કોઈ પણ વેબસાઇટ પર જતાં પહેલાં એ સિક્યૉર હોય એનું ધ્યાન રાખો. સુરક્ષિત વેબસાઇટનું URL https://થી શરૂ થાય છે, જ્યારે http:// ને અસુ​રક્ષિત માનવામાં આવે છે. http પછી s લખેલું હોય તો જ વેબસાઇટ સિક્યૉર હોવાનું મનાય છે.

 તમારા મહત્ત્વપૂર્ણ ડેટાને ક્લાઉડ સ્ટોરેજ અથવા એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં સ્ટોર કરીને રાખો જેથી ડિવાઇસ બંધ થઈ જાય કે કામ કરવાનું બંધ કરી દે તો પણ તમારો ડેટા તમારી પાસે સુરક્ષિત રહે.

ઘણી વાર એવું થાય કે સાવચેતી રાખ્યા છતાં આપણાથી ભૂલથી લિન્ક પર ક્લિક થઈ જાય. તો એવી પરિ​સ્થિતિમાં શું કરી શકાય? એ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો ઇન્ટરનેટ કનેક્શન બંધ કરી દેવું જોઈએ. પાસવર્ડ અને બૅન્કિંગ ડીટેલ્સ તરત બદલી દેવાં જોઈએ. ઍન્ટિવાઇરસથી ડિવાઇસને સ્કૅન કરી લેવું જોઈએ.

national news india ind pak tension pakistan cyber crime ai artificial intelligence