13 November, 2025 10:02 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
કેન્દ્રીય રાજ્યપ્રધાન રવનીત સિંહ બિટ્ટુ
એક તરફ કેન્દ્રીય તપાસ-એજન્સીઓ અને અનેક રાજ્યોની પોલીસ દિલ્હી બ્લાસ્ટના ગુનેગારોને પકડવા માટે કડીઓ જોડી રહી છે ત્યારે કેન્દ્રીય રાજ્યપ્રધાન રવનીત સિંહ બિટ્ટુએ એ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. ચંડીગઢમાં પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે ‘વરસાદ વખતે પંજાબમાં ભારત-પાકિસ્તાન બૉર્ડરની ફેન્સિંગ ઘણી જગ્યાએથી તૂટી ગઈ હતી. એનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન તરફથી મોટી માત્રામાં હથિયારો ભારતમાં ઘુસાડ્યાં હશે. પંજાબના સીમાડાના વિસ્તારોમાં રાવી નદી તોફાને ચડી હતી ત્યારે સીમાની લગભગ ૨૦ કિલોમીટરની લોઢાની ફેન્સિંગ વહી ગઈ હતી અને ડઝનબંધ ચોકીઓ ખાલી કરવી પડી હતી. રાવી નદીની ઝીરો લાઇનમાં બન્ને તરફની ચોકીઓ ખાલી કરી દેવી પડી હતી. એ પૂરની આડમાં પાકિસ્તાની તસ્કરોએ ભારતમાં ડ્રગ્સ અને હથિયારોની સપ્લાય કરવા માટે ડ્રોનનો સહારો લીધો હતો.’