05 February, 2025 10:40 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનમાં રહેતા ૪૦૦ હિન્દુઓના અસ્થિ-કળશ ગંગાજીમાં પધરાવવા ભારત લાવવામાં આવ્યા
દેશના ભાગલા પડ્યા બાદ ત્રીજી વાર પાડોશી દેશ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓનું ગ્રુપ મૃત્યુ પામેલાં પોતાના ૪૦૦ સંબંધીઓના અસ્થિ-કળશ લઈને ભારત આવ્યું છે. તેઓ આ કળશનાં અસ્થિ હરિદ્વાર ખાતે ગંગા નદીમાં પધરાવશે અને તેમને આશા છે કે તેમને પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા જવાની પરવાનગી મળશે.
સોમવારે કરાચીથી પંજાબમાં અટારી આવનાર પાકિસ્તાનના કરાચીમાં આવેલા શ્રી પંચમુખી હનુમાન મંદિરના મહંત રામનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનમાં રહેતા અનેક હિન્દુઓની ઇચ્છા હોય છે કે તેમના મૃત્યુ બાદ તેમનાં અસ્થિ ગંગા નદીમાં પધરાવવામાં આવે. તેમના કુટુંબીજનો તેમની આ અંતિમ ઇચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરે છે અને એટલે તેમના અસ્થિ-કળશ પાકિસ્તાનમાં મંદિરમાં સાચવવામાં આવે છે અને જ્યારે મોટી સંખ્યામાં કળશ ભેગા થાય પછી ભારતીય વીઝા મેળવવાના પ્રયત્ન કરવામાં આવે છે જેથી મૃત્યુ પામેલાં હિન્દુ ભાઈ-બહેનોની અંતિમ ઇચ્છા પૂરી થઈ શકે.’