✕

દિલ્હીમાં પ્રથમ SCO સિવિલાઇઝેશનલ ડાયલૉગ ફોરમનો પ્રારંભ, નરેન્દ્ર મોદીએ સાંસ્કૃતિક જોડાણ પર મૂક્યો ભાર

21 November, 2026 11:28 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને કહ્યું કે વિશ્વમાં જ્યારે યુદ્ધ અને અશાંતિની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભારત સભ્યતાના જોડાણ પર સંવાદ કરી રહ્યું છે, કારણ કે સાંસ્કૃતિક જોડાણ એ શાંતિની સૌથી મજબૂત ખાતરી છે.

ગઈ કાલે ‌દિલ્હીમાં ફોરમને સંબોધન કરતા નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ઐતિહાસિક પુરાના કિલ્લા ખાતે પ્રથમ શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સિવિલાઇઝેશનલ ડાયલૉગ ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ત્રણ દિવસીય ફોરમમાં SCO દેશોના વિદ્વાનો, નિષ્ણાતો અને સાંસ્કૃતિક પ્રતિનિધિઓ સહિયારા સાંસ્કૃતિક વારસા વિશે ચર્ચા કરશે. ૨૦૨૫માં ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટમાં વડા પ્રધાને આપેલા પ્રસ્તાવ બાદ આ પહેલ થઈ છે. ફોરમને સંબોધતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં આ પ્રકારની આ પહેલી ફોરમ છે અને હાજર રહેલા તમામ પ્રતિનિધિઓનું તેમણે સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને કહ્યું કે વિશ્વમાં જ્યારે યુદ્ધ અને અશાંતિની ચર્ચા ચાલી રહી છે ત્યારે ભારત સભ્યતાના જોડાણ પર સંવાદ કરી રહ્યું છે, કારણ કે સાંસ્કૃતિક જોડાણ એ શાંતિની સૌથી મજબૂત ખાતરી છે.

ભારતમાં પા‌કિસ્તાની પ્રધાનને આતંકવાદ પર આકરા સવાલ, આપ્યા અસ્પષ્ટ જવાબ

ગઈ કાલે ‌દિલ્હીમાં મી‌ડિયા સાથે વાત કરતા પા‌કિસ્તાની પ્રધાન મુસા‌દિક મ‌લિક.

શાંઘાઈ કોઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સિવિલાઇઝેશનલ ડાયલૉગ ફોરમમાં ભાગ લેવા ૨૦ નવેમ્બરે નવી દિલ્હી પહોંચેલા પાકિસ્તાનના ક્લાઇમેટ ચેન્જ પ્રધાન મુસાદિક મસૂદ મલિકને ભારતમાં આવતાં જ સરહદપારના આતંકવાદ ‌વિશે પત્રકારોના તીખા સવાલોનો સામનો કરવો પડ્યો હતો, જેના પર તેમણે અસ્પષ્ટ અને ગોળગોળ જવાબ આપ્યા હતા. બન્ને દેશો વચ્ચેના ગયા વર્ષના યુદ્ધ પછી પહેલી વાર પા‌કિસ્તાની પ્રધાન ભારત આવ્યા છે. ભારતની આતંકવાદને લગતી ચિંતાઓ ‌વિશે સીધો સવાલ પુછાતાં મલિકે સ્પષ્ટ જવાબ આપવાને બદલે કહ્યું હતું કે ‘મને લાગે છે કે આવતી કાલે હું મારું નિવેદન આપું ત્યાર બાદ આપણે ઘણી વાતચીત કરીશું.’ સુરક્ષા અને આતંકવાદના ગંભીર મુદ્દાને સીધો સંબોધવાને બદલે તેમણે વાતને ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વિવિધતા તરફ વાળી હતી. તેમણે આ ફોરમને બહુપક્ષીય સંવાદ માટે મોટી તક ગણાવતાં સંસ્કૃતિ અને સભ્યતા સરહદો પાર કરે છે એવી અસ્પષ્ટ ટિપ્પણી કરી હતી. બન્ને દેશ વચ્ચેના તંગ સંબંધો અને આ મુલાકાત સામે ભારતમાં ઊભેલા રાજકીય વિવાદ વચ્ચે મલિકના આ અસ્પષ્ટ વલણે ધ્યાન ખેંચ્યું છે.`

narendra modi pakistan operation sindoor new delhi indian government national news