13 August, 2026 03:03 PM IST | Patna | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પટના હાઇકોર્ટ (Patna High Court) એ એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જ્યારે લગ્ન કરવા બાબતે જ વિવાદ હોય ત્યારે મતદાર યાદીમાં પત્ની અથવા પતિ તરીકે નામ નોંધાયેલું હોવું એ હિન્દુ મેરેજ એક્ટ (Hindu Marriage Act) હેઠળ વૈધ લગ્નનો આખરી કે નક્કર પુરાવો ગણી શકાય નહીં. જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ રાણા વિક્રમ સિંહની ડિવિઝન બેંચે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, વૈધ હિન્દુ લગ્નનો દાવો કરનાર પક્ષકારે એ સાબિત કરવું જરૂરી છે કે લગ્ન હિન્દુ મેરેજ એક્ટ, ૧૯૫૫ની કલમ ૭ હેઠળ પરંપરાગત રીત-રિવાજો અને ધાર્મિક વિધિઓ અનુસાર સંપન્ન થયા હતા. પોતાના દિયર સાથે વૈધ રીતે લગ્ન થયા ન હોવાનો ફેમિલી કોર્ટનો ચુકાદો રદ કરવાની માંગ કરતી મહિલાની અરજી ફગાવી દેતાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો.
આ કાનૂની વિવાદ સિવાન જિલ્લાના એક કૌટુંબિક કેસમાંથી શરૂ થયો હતો. અરજદાર દુર્ગાવતી દેવીના લગ્ન મે ૧૯૯૦માં સુરેશ ચૌધરી સાથે થયા હતા અને તેમને બે બાળકો હતા. નવેમ્બર ૧૯૯૭માં સુરેશના અવસાન પછી, દુર્ગાવતીએ દાવો કર્યો હતો કે તેણે ૨૦૦૨માં પરિવારની સંમતિથી તેના નાના દિયર સચિતા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેણે ભરણપોષણ માટે અરજી કરી હતી, જેમાં ૨૦૦૫માં ફેમિલી કોર્ટે તેની તરફેણમાં આદેશ આપ્યો હતો.
જોકે, સચિતા ચૌધરીએ સિવાનની ફેમિલી કોર્ટમાં ટાઇટલ સૂટ દાખલ કરીને સત્તાવાર જાહેર કરવાની માંગ કરી હતી કે તેમની વચ્ચે ક્યારેય કોઈ વૈધ લગ્ન થયા નથી. ૨૦૨૦માં, ફેમિલી કોર્ટે સચિતાની તરફેણમાં ચુકાદો આપતાં ઠેરવ્યું હતું કે કથિત લગ્ન હિન્દુ રીત-રિવાજો મુજબ થયા નથી, જેની સામે દુર્ગાવતીએ પટના હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
રેકોર્ડની સમીક્ષા કરતી વખતે, હાઇકોર્ટે નોંધ્યું કે દુર્ગાવતીના દાવામાં મહત્વપૂર્ણ પુરાવાઓની ભારે ખામી હતી. બેંચે અવલોકન કર્યું કે અરજદાર કથિત લગ્નની ચોક્કસ તારીખ, સમય કે સ્થળ દર્શાવી શકી નહોતી, કે તેણે રજૂ કરેલી વિધિઓ વિશે પણ વિગતો આપી નહોતી. મુખ્ય વાત એ હતી કે, અરજદાર કે તેના સાક્ષીઓમાંથી કોઈએ પણ `સપ્તપદી` (પવિત્ર અગ્નિની આસપાસ સાત ફેરા) અથવા `સિંદૂર દાન` જેવી આવશ્યક હિન્દુ લગ્ન વિધિઓ થઈ હોવાના પુરાવા આપ્યા ન હતા.
અદાલતે લગ્ન કરાવનાર પંડિત/પૂજારીના નામ અંગે સાક્ષીઓના નિવેદનોમાં રહેલા વિરોધાભાસને પણ રેખાંકિત કર્યો હતો. એક સાક્ષીએ પંડિતનું નામ બિંદેશ્વરી તિવારી અને બીજાએ દિનેશ્વર તિવારી બતાવ્યું હતું, જેને અદાલતે અવિશ્વસનીય ગણાવ્યું હતું.
દસ્તાવેજી પુરાવાઓ અંગે ચર્ચા કરતાં હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે ધાર્મિક વિધિઓથી લગ્ન થયા હોવાના પુરાવાના અભાવમાં માત્ર મતદાર યાદીની નોંધણી લગ્નની કાનૂની વૈધતા સ્થાપિત કરી શકતી નથી. બેંચે રેકોર્ડમાં વિસંગતતાઓ દર્શાવતા નોંધ્યું કે, ૨૦૦૪ની મતદાર યાદીમાં દુર્ગાવતીને સચિતાની પત્ની તરીકે દર્શાવવામાં આવી હતી, જ્યારે ૨૦૦૯ની મતદાર યાદીમાં તેને તેના સ્વર્ગસ્થ પ્રથમ પતિની પત્ની તરીકે દર્શાવવામાં આવી હતી.
વધુમાં, હાઇકોર્ટે ઠેરવ્યું હતું કે સીઆરપીસી (CrPC) હેઠળ અગાઉ આપેલા ભરણપોષણના આદેશો લગ્નની કાનૂની સ્થિતિ નક્કી કરતા નથી. લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ) કે પરંપરાગત રીત-રિવાજોના પુરાવાનો અભાવ જણાતાં, હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને યોગ્ય ઠેરવીને અપીલ ફગાવી દીધી હતી.