Petrol Diesel Price:વિકેન્ડનો મૂડ ખરાબ, મુંબઈમાં પેટ્રોલનો ભાવ 113 રૂપિયાને પાર

23 October, 2021 02:03 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

હાલમાં પેટ્રોલ અને ડીઝલના મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકોને તેનાથી રાહત મળી રહી નથી.

પ્રતીકાત્મક તસવીર

તહેવારમાં પ્રજાને મોંઘવારીનો માર પડી રહ્યો છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલના મોંઘવારીથી પરેશાન સામાન્ય લોકોને તેનાથી રાહત મળી રહી નથી. શનિવારે સતત ચોથા દિવસે દેશમાં ઈંધણના ભાવમાં વધારો થયો છે. આજે 23 ઓક્ટોબરે  ઈંધણના ભાવમાં 35 પૈસાનો વધારો નોંધાયો છે. આ રીતે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 107.24 રૂપિયા પર પહોંચી ગઈ છે. ડીઝલ પણ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું અને 95.97 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું.

બીજી તરફ  ઈંધણના ભાવમાં નરમાઈની કોઈ શક્યતા નથી. આનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત મોંઘવારી છે. છેલ્લા બે મહિનામાં જ કાચા તેલમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. આની અસર વિશ્વભરના પેટ્રોલ અને ડીઝલ માર્કેટ પર પડી રહી છે. શ્રીલંકાની અગ્રણી ઓઈલ માર્કેટિંગ કંપની લંકા આઈઓસીએ ગઈકાલે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5-5 રૂપિયાનો વધારો કર્યો છે. ભારતમાં પણ ડીઝલ માત્ર એક મહિનામાં 7 રૂપિયાથી વધુ મોંઘુ થયું છે.

ભારતમાં આ મહિને પેટ્રોલ ડીઝલ લગભગ દરરોજ મોંઘુ થયું છે. જોકે અપવાદ તરીકે 2 કે 4 દિવસ સુધી સ્થિરતા હતી, પરંતુ મોટાભાગના દિવસોમાં ભાવમાં સરેરાશ 30 પૈસાથી વધુનો વધારો થયો છે. આ જ કારણ છે કે છેલ્લા 20 દિવસમાં પેટ્રોલ 6.05 રૂપિયા મોંઘુ થયું છે. ડીઝલની વાત કરીએ તો છેલ્લા 23 દિવસમાં જ તે 7.35 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.
 
વિવિધ શહેરોમાં પેટ્રોલના ભાવ જોઈએ તો નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 107.24 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 95.97 રૂપિયા છે. મુંબઈ શહેરની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ 113.12 રૂપિયા છે અને ડીઝલનો ભાવ 104 રૂપિયા છે. 

અત્યારે કાચા તેલમાં કોઈ રાહતની આશા નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે બ્રેન્ટ ક્રૂડ પણ $ 86 ને પાર કરી ગયું હતું. જોકે, બાદમાં ભાવ થોડો સ્થિર થયો હતો. પરંતુ ગઈકાલે પણ બજારમાં તેજી રહી હતી. યુએસ માર્કેટમાં ગઈ કાલે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ $0.92 વધીને $85.53 પ્રતિ બેરલ પર બંધ થયું હતું, WTI ક્રૂડ 1.53 ટકા અથવા $1.09 વધીને $82.50 પ્રતિ બેરલ થયું હતું.

national news mumbai