Piyush Pandey Death: દુઃખદ! ભારતીય એડવર્ટાઈઝિંગ જગતનો અવાજ ખોવાયો- પિયુષ પાંડેનું અવસાન

24 October, 2025 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Piyush Pandey Death: ભારતીય વિજ્ઞાપન ક્ષેત્રને એક નવી ઉંચાઈ બક્ષી એવા પિયુષ પાંડેનું ૭૦ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી લોકો શોકમાં મુકાયા છે. એમણે વિજ્ઞાપન જગતનો નકશો જ બદલી નાખ્યો.

પિયુષ પાંડે

ભારતીય વિજ્ઞાપન જગતમાંથી દુખદ સમાચાર મળી રહ્યા છે. એક એવું વ્યક્તિત્વ જેમણે ભારતીય વિજ્ઞાપન ક્ષેત્રને એક કવી ઉંચાઈ બક્ષી એવા પિયુષ પાંડેનું ૭૦ વર્ષની વયે નિધન (Piyush Pandey Death) થયું છે. ભારતીય જાહેરાત વિશ્વને આગવો અવાજ અને દિશા આપનાર પિયુષ પાંડેના નિધનથી લોકો શોકમાં મુકાયા છે.

પિયુષ પાંડે (Piyush Pandey Death)નો જન્મ 1955માં થયો હતો.  તેઓ કુલ નવ ભાઈ-બહેનો હતા. જેમાં સાત બહેનો અને બે ભાઈઓ હતા. પિયુષ પાંડે ઇલા અરુણના ભાઈ અને ઇશિતા અરુણના મામા થતા હતા. પિયુષ પાંડેના પિતા બેંકમાં નોકરી કરતા હતા. પિયુષ પાંડેએ અનેક વર્ષો સુધી ક્રિકેટ પણ રમ્યું. ત્યારબાદ તેઓ જાહેરાતની દુનિયામાં આવ્યા. તેઓ 1982માં ઓગિલ્વીમાં જોડાયા હતા.  27 વર્ષની ઉંમરે પાંડેએ અંગ્રેજીબેઝ્ડ જાહેરાતની દુનિયામાં પગરણ માંડ્યા હતા. ત્યારથી જાણે એમણે વિજ્ઞાપનજગતનો નકશો જ બદલી નાખ્યો.

આજે જાહેરાતોની વાત કરવામાં આવે તો એશિયન પેઇન્ટ્સ (હર ખુશી મેં રંગ લાયે), કેડબરી (કુછ ખાસ હે) કે પછી ફેવિકોલ અને હચ જેવી અનેક બ્રાન્ડ્સ છે જેણે જાહેરાતની દુનિયામાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે એની પાછળ પિયુષ પાંડે છે. કારણ કે તેમણે જ આ જાહેરાતોમાં પોતાનો અવાજ આપીને આ જાહેરાતોને નામચીન કરી. પિયુષ પાંડેએ મુખ્ય પ્રવાહની જાહેરાતોમાં હિન્દી અને બોલચાલની ભારતીય રૂઢિપ્રયોગોનો સમાવેશ કર્યો હતો.  તેમણે તેમાં રમૂજ, ઊર્જા અને માનવીય મૂલ્યોને પણ એડ કર્યા હતા. 

અબ કી બાર, મોદી સરકાર"નો નારો પણ આપ્યો હતો 

પિયૂષ પાંડે (Piyush Pandey Death)એ ભારતના સૌથી યાદગાર રાજકીય નારાઓમાંથી એક એવો નારો પણ આપ્યો જે બહુ જ લોકપ્રિય થયો છે અને તે છે "અબ કી બાર, મોદી સરકાર" 

અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો

નિર્મલા સીતારમણે શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે, "શ્રી પીયૂષ પાંડેના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું છે. ભારતીય જાહેરાત જગતનું આગવું નામ હતા. તેમણે રોજિંદા રૂઢિપ્રયોગો, સહજ રમૂજ અને ઊર્જાસભર વાતચીતો થકી જાહેરાતોમાં પરિવર્તન લાવ્યું. વિવિધ પ્રસંગોએ તેમની સાથે વાતચીત કરવાની તક મળી છે. તેમના પરિવાર, મિત્રો અને સમગ્ર એન્ટરટેઈનમેન્ટ જગતના લોકોને મારી સાંત્વના છે. તેમનો વારસો પેઢીઓને પ્રેરણા આપતો રહેશે."

હંસલ મહેતા લખે છે કે, "ફેવિકોલ કા જોડ ટૂટ ગયા. જાહેરાતની દુનિયાએ તેનું ગ્લૂ ખોયું છે. પીયૂષ પાંડે અમર રહો` 

પીયુષ ગોયલ દુ:ખ વ્યક્ત કરતાં લખે છે કે, “પદ્મશ્રી પીયૂષ પાંડેના નિધન (Piyush Pandey Death) પર દુઃખ વ્યક્ત કરવા માટે શબ્દો પણ નથી જડી રહ્યા. જાહેરાતની દુનિયામાં તેમની સર્જનાત્મક પ્રતિભાએ કથા કહેવાની વાતને નવી દિશા આપી. આપણને અવિસ્મરણીય અને કાલાતીત કથાઓ આપી. મારા તેઓ સારા મિત્ર હતા. તેમની તેજસ્વીતા જ તેમની પ્રામાણિકતા, ઉષ્મા અને બુદ્ધિ દ્વારા ચમકતી હતી. હું હંમેશા અમારી વચ્ચે થયેલી રસપ્રદ વાતચીતને યાદ રાખીશ. તેઓએ  પોતાની પાછળ એક મોટી ખાલી જગ્યા છોડી દીધી છે, જેને ભરવી મુશ્કેલ છે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ!”

national news india indian government celebrity death advertising entertainment news