એશિયન ડેવલપમેન્ટ બૅન્કે ભારતના શહેરી વિકાસ માટે આપ્યા ૧૦ બિલ્યન ડૉલર

02 June, 2025 11:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ બૅન્કના પ્રેસિડન્ટ સાથેની મુલાકાત પછી કરી જાહેરાત

એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (ADB)ના પ્રમુખ મસાટો કાંડા સાથે નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (ADB)ના પ્રમુખ મસાટો કાંડા સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાતનો ફોટો શૅર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમણે પાંચ વર્ષના સમયગાળામાં ભારતીય શહેરી માળખાકીય વિકાસ માટે ૧૦ બિલ્યન ડૉલર (આશરે ૮૫,૫૬૩ કરોડ રૂપિયા) ફાળવવાનું વચન આપ્યું હતું.

 આ સંદર્ભમાં ADBએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૦ બિલ્યન ડૉલરના રોકાણથી દેશભરમાં શહેરી માળખાગત સુવિધાઓમાં પરિવર્તન આવશે, જેમાં વિવિધ સુધરાઈમાં માળખાકીય સુવિધાનો વિકાસ, મેટ્રો એક્સટેન્શન, ન્યુ રીજનલ રૅપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) કૉરિડોર અને શહેરી સેવાઓના આધુનિકીકરણનો સમાવેશ થાય છે.

ADB પ્રેસિડન્ટ મસાટો કાંડાએ મોદી સરકારની વિકસિત ભારત પ્રતિજ્ઞાને પણ ટેકો આપ્યો અને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે વિકસિત ભારત ૨૦૪૭નું વિઝન બોલ્ડ છે અને ADB એ મહત્ત્વાકાંક્ષાને સમર્થન આપી રહી છે.

 ADBએ ૨૨ રાજ્યોનાં ૧૧૦થી વધુ શહેરો સાથે પાણી પુરવઠા, સ્વચ્છતા, હાઉસિંગ અને સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ સંબંધિત પ્રોજેક્ટ્સ પર સહયોગ કર્યો હોવાના અહેવાલ છે જેમાં સક્રિય શહેરી પોર્ટફોલિયોમાં ૨૭ લોનનો સમાવેશ થાય છે જેમાં ૫.૧૫ બિલ્યન ડૉલર (આશરે ૪૭,૦૫૯ કરોડ રૂપિયા)ની રકમનો સમાવેશ થાય છે.

narendra modi social media national news news