નરેન્દ્ર મોદીએ પુતિનને આપેલી ભેટનો રશિયા સાથે છે રસપ્રદ નાતો

12 September, 2026 09:19 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બ્રિક્સ શિખર સંમેલન દરમ્યાન તામિલ ગ્રંથની રશિયન આવૃત્તિ ભેટમાં અપાઈ જે લિયો ટૉલ્સ્ટૉય સાથે જોડાયેલી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને બ્રિક્સ શિખરસંમેલન દરમ્યાન આપી ભેટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા-BRICS) શિખરસંમેલન દરમ્યાન પ્રાચીન તામિલ ગ્રંથ તિરુક્કુરાલની રશિયન આવૃત્તિ ભેટમાં આપી છે. આ ભેટનું મોટું મહત્ત્વ છે, કારણ કે રશિયા સાથે આ ગ્રંથનો સદીઓ જૂનો નાતો છે.

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તામિલ દ્વારા ૨૦૨૬માં પ્રકાશિત આ પુસ્તકમાં મૂળ તામિલ  શ્ળોકો, ટ્રાન્સલિટરેશન અને નાયરા મકૃત્યાનનું રશિયન ટ્રાન્સલેશન સામેલ છે. રશિયન લેખક લિયો ટૉલ્સ્ટૉય ઓગણીસમી સદીમાં આ ગ્રંથથી પ્રભાવિત થયા હતા અને એના વિચારોએ મહાત્મા ગાંધીને પણ અહિંસાના માર્ગ પર પ્રેરિત કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ પણ વિદેશી નેતાઓને આ ગ્રંથ ભેટમાં આપી ચૂક્યા છે. તામિલ તત્ત્વજ્ઞાની તિરુવલ્લુવર દ્વારા રચિત આ ગ્રંથમાં ૧૩૩૦ કડીઓ છે જે ધર્મ, અર્થ અને કામના સિદ્ધાંતો પર આધારિત છે. વડા પ્રધાને આશા વ્યક્ત કરી હતી કે આ પુસ્તક રશિયાના વાચકો માટે પ્રેરણારૂપ બનશે. 

નરેન્દ્ર મોદી ને પુતિન વચ્ચેની મુલાકાતમાં યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા પર ભાર મુકાયો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બ્રિક્સ શિખર સંમેલન દરમ્યાન વિશેષ મુલાકાત યોજાઈ હતી. એમાં ભારતને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા થઈ હતી. બન્ને નેતાઓએ સંરક્ષણ વેપાર અને ઊર્જાક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા વ્યાપક ચર્ચા કરી.

યુક્રેન સંઘર્ષ : વડા પ્રધાને પુતિનને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાનો અનુરોધ કર્યો હતો અને કૂટનીતિ તથા સંવાદથી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો.

ભારતીય ખલાસીઓની સુરક્ષા : પશ્ચિમ એશિયા અને બ્લૅક સી વિસ્તારમાં તાજેતરમાં પાંચ ભારતીય ખલાસીઓનાં મૃત્યુના સંદર્ભમાં કડક વિરોધ નોંધાવીને ભારત દ્વારા દરિયાઈ સુરક્ષાની ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

દ્વિપક્ષીય વેપાર લક્ષ્યાંક : ભારત અને રશિયાએ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૯.૫ લાખ કરોડ રૂપિયા (૧૦૦ અબજ ડૉલર) સુધી લઈ જવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે.

કુશળ કામદારો અને સહકાર : રશિયામાં ભારતીય કુશળ કામદારો માટે રોજગારીની તકો વધારવા તેમ જ સંરક્ષણ, ઊર્જા, રેલવે, સ્ટીલ, ક્રિટિકલ મિનરલ્સ અને ખાતર પુરવઠા ક્ષેત્રે સહકાર વધારવા સંમતિ સધાઈ હતી.

આગામી સંમેલન : બન્ને નેતાઓએ ભારત મંડપમ ખાતે આયોજિત ઔદ્યોગિક પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪મા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયા જવાનું પુતિનનું આમંત્રણ સ્વીકાર્યું હતું.

જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે એવા બે દેશો રશિયા અને ઈરાનના નેતાઓ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત પહોંચ્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન ગઈ કાલે દિલ્હીમાં આયોજિત બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત પહોંચ્યા હતા. આ બેઉ દેશોમાં હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાનું યુદ્ધ યુક્રેન સાથે ચાલી રહ્યું છે, જ્યારે ઈરાનનું યુદ્ધ અમેરિકા સાથે ચાલી રહ્યું છે. બન્ને નેતાઓ તેમનાં પ્રતિનિધિમંડળો સાથે આવ્યા છે.

brics narendra modi india vladimir putin russia international news world news news national news new delhi