24 February, 2025 06:26 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મધ્ય પ્રદેશના છતરપુરમાં ભાવિકોને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મધ્ય પ્રદેશની મુલાકાત માટે ગઈ કાલે છતરપુર પહોંચ્યા હતા અને બાગેશ્વર ધામમાં ૨૧૮ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનારી કૅન્સર હૉસ્પિટલની આધારશીલા રાખી હતી. આ પ્રસંગે ૩૫ મિનિટ સુધી તેમણે જનતાને સંબોધન કર્યું હતું અને એમાં મહાકુંભ સંદર્ભે વિપક્ષના નેતાઓએ કરેલી ટિપ્પણીને ગુલામીની માનસિકતા ગણાવીને કહ્યું હતું કે કેટલાક નેતાઓ વિદેશી તાકાતો સાથે મળીને દેશ અને ધર્મને કમજોર કરવાનું પાપ કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ પ્રયાગરાજ અને નવી દિલ્હી રેલવે-સ્ટેશન પર નાસભાગમાં થયેલાં ભાવિકોનાં મૃત્યુના પગલે મહાકુંભને મૃત્યુકુંભ ગણાવ્યો હતો અને લાલુ પ્રસાદ યાદવે એને ફાલતું ગણાવ્યો હતો. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભ પાછળ ખર્ચવામાં આવેલાં નાણાં વિશે સવાલ ઉઠાવ્યા હતા. કૉન્ગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે પ્રયાગરાજમાં નાસભાગમાં હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય જયા બચ્ચને દાવો કર્યો હતો કે નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો ગંગા નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ કોઈ પણ નેતાનું નામ લીધા વિના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર પ્રહાર કર્યા હતા.
આ મુદ્દે બોલતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘નેતાઓનો એક એવો વર્ગ છે જે ધર્મની મજાક ઉડાવે છે, ઉપહાસ કરે છે અને લોકોને તોડવાના કામમાં લાગ્યો છે. ઘણી વાર વિદેશી તાકાતો પણ આ લોકોને સાથ આપીને દેશ અને ધર્મને કમજોર કરવાની કોશિશ કરતી નજરે પડે છે. હિન્દુ આસ્થા સાથે નફરત કરનારા આ લોકો સદીઓથી કોઈ ને કોઈ વેશમાં રહે છે. ગુલામીની માનસિકતા ધરાવતા આ લોકો આપણા મઠ, માન્યતાઓ અને મંદિરો પર સંત, સંસ્કૃતિ અને સિદ્ધાંતો પર હુમલા કરતા રહે છે. આ લોકો આપણા તહેવારો, પરંપરા અને પ્રથાઓને ગાળો આપે છે. જે સંસ્કૃતિ સ્વભાવથી જ પ્રગતિશીલ છે એના પર આ લોકો કાદવ ઉછાળવાની હિંમત બતાવે છે. આપણા સમાજનું વિભાજન કરવું અને એની એકતાને તોડવી એ જ એમનો આશય છે.
વડા પ્રધાને ધીરેન્દ્ર શાસ્ત્રીનાં માતાની પણ મુલાકાત લીધી હતી. શ્રી બાગેશ્વર ધામ મેડિકલ સાયન્સ ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ૧૦ એકરમાં બાંધવામાં આવશે, પહેલા ફેઝમાં ૧૦૦ બેડની હૉસ્પિટલ બનશે.