23 April, 2025 06:54 AM IST | Jammu-Kashmir | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. વડાપ્રધાને શાહને યોગ્ય પગલાં લેવા માટે કહ્યું છે. વડા પ્રધાને શાહને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા માટે પણ કહ્યું છે. તો, બીજી તરફ અમિત શાહે ઇમરજન્સી બેઠક બોલાવી છે. જેમાં આઈબીના ગૃહ સચિવ અને ગૃહ મંત્રાલલયના અન્ય અધિકારીઓ સામેલ છે. જમ્મૂ-કાશ્મીરના ડીજીપી વર્ચ્યુઅલી આ મીટિંગમાં જોડાયા. આતંકવાદી હુમલામાં અત્યાર સુધી એક શખ્સનું મોત નીપજ્યું છે. 12 જણ ઇજાગ્રસ્ત છે જેમાંથી 4ની સ્થિતિ ગંભીર છે.
પહલગામના બૈસરનમાં આ આતંકવાદી ઘટના બપોરે લગભગ 2 વાગીને 30 મિનિટે ઘટી. જ્યારે ઘોડેસવારી કરતાં પર્યટકો પહાડની ઉપર હતા. ત્યારે એકાએક આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો. પર્યટકોને કંઈપણ સમજવાની તક પણ ન મળી.
વડાપ્રધાન અને ગૃહમંત્રી વચ્ચે શું વાતચીત થઈ?
વડાપ્રધાન હાલ સાઉદ અરબના પ્રવાસ પર છે. ફોન પર થયેલી વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રી અમિત શાહને બધા જરૂરી પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાને અમિત શાહને ઘટનાસ્થળું નિરીક્ષણ કરવા માટે પણ કહ્યું છે. જેના પછી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રવાના થઈ ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી આતંકવાદી ઘટનાની નિંદા
વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર ટ્વીટ કરીને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, "જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદનાઓ છે. આ જઘન્ય હુમલા પાછળ જે પણ છે તેને પ્રશ્નોના ઘેરામાં મૂકવામાં આવશે, તેમને છોડવામાં નહીં આવે. આતંકવાદ વિરુદ્ધ આપણી લડાઈની પ્રતિબદ્ધતા અતૂટ છે અને એ હજી વધુ મક્કમ બનશે."
પહલગામ આતંકવાદી હુમલા પર કોણે શું કહ્યું?
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. અબ્દુલ્લાએ કહ્યું કે પહલગામમાં થયેલા હુમલાથી તેઓ આઘાત પામ્યા છે. પ્રવાસીઓ પર હુમલો અત્યંત ઘૃણાસ્પદ છે. આ હુમલાના ગુનેગારો ક્રૂર, અમાનવીય અને તિરસ્કારને પાત્ર છે. હું શ્રીનગરથી પાછો ફરી રહ્યો છું. મારા સાથીદારો ઘાયલ લોકોની દેખરેખ રાખવા માટે હોસ્પિટલ પહોંચી ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. મહેબૂબાએ કહ્યું કે અમારી સંવેદનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.
ભાજપ નેતા રવિન્દર રૈનાએ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે. રવિન્દરે કહ્યું કે પાકિસ્તાની આતંકવાદીઓ ભારતીય સુરક્ષા દળોનો સામનો કરી શકતા નથી, તેથી તેઓએ નિઃશસ્ત્ર અને નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવ્યા.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદી હુમલાની નિંદા કરી છે. નિર્દોષ લોકો પરના હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો.
આતંકવાદી હુમલાની જવાબદારી કોણે લીધી?
`ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ` એટલે કે TRF એ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોના ઈશારે કામ કરતી TRF છેલ્લા કેટલાક વર્ષોથી જમ્મુ અને કાશ્મીરમાં સતત હુમલા કરી રહી છે.