03 September, 2025 09:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં નરેન્દ્ર મોદીને VIKRAM 32 બિટ પ્રોસેસર ચિપ આપતા કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ.
ભારતની પ્રથમ સ્વદેશી VIKRAM 32 બિટ પ્રોસેસર ચિપ ગઈ કાલે સેમીકૉન ઇન્ડિયા 2025માં ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવી હતી, જે દેશની સેમીકન્ડક્ટર સ્વનિર્ભરતા યાત્રામાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)ની સેમીકન્ડક્ટર લૅબોરેટરી (SCL) દ્વારા વિકસાવવામાં આવેલી ચિપ દેશનું પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી 32 બિટ માઇક્રોપ્રોસેસર છે જે ખાસ કરીને અવકાશ પ્રક્ષેપણ વાહનો પરની વિષમ પરિસ્થિતિઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. સેમીકન્ડક્ટર્સને આજની અદ્યતન ટેક્નૉલૉજીનો આધાર માનવામાં આવે છે. એનો ઉપયોગ આરોગ્યની સંભાળથી લઈને પરિવહન, સંદેશવ્યવહાર, સંરક્ષણ અને અવકાશ સંશોધન સુધીનાં ઘણાં ક્ષેત્રોમાં થાય છે. PSLV-C60 મિશન દરમ્યાન VIKRAM3201 ડિવાઇસનો પ્રારંભિક લૉટ અવકાશમાં સફળતાપૂર્વક માન્ય કરવામાં આવ્યો હતો, જે ભવિષ્યના અવકાશ મિશન માટે એની વિશ્વસનીયતા દર્શાવે છે.
VIKRAM 32 એક કમ્પ્યુટર ચિપ છે જે ઘણાં જુદાં-જુદાં કાર્યો સંભાળી શકે છે. આ ચિપ અવકાશ-ઉડાનમાં જોવા મળતા ભારે તાપમાન અને વાતાવરણનો સામનો કરવા માટે રચાયેલી છે. એની મજબૂત વિશ્વસનીયતા અને એનું વૈવિધ્ય સંરક્ષણ, ઍરોસ્પેસ, ઑટોમોટિવ અને ઊર્જા ક્ષેત્રો માટે એની સંભાવનાનો પણ સંકેત આપે છે, જે એને વ્યૂહાત્મક ઍપ્લિકેશનોમાં મહત્ત્વપૂર્ણ બનાવે છે.
સેમિકૉન ઇન્ડિયા 2025માં વડા પ્રધાનને પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપ સોંપતાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. વડા પ્રધાનના વિઝન સાથે સાડાત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલા ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશને હવે વિશ્વનો વિશ્વાસ જીતી લીધો છે. હાલમાં દેશમાં પાંચ સેમીકન્ડક્ટર ઉત્પાદન એકમો ઝડપથી સ્થાપિત થઈ રહ્યા છે અને છ રાજ્યોમાં ૧.૬૦ લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ૧૦ મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
VIKRAM3201 આટલું ખાસ કેમ છે?
ઇસરોએ VIKRAM3201 પ્રોસેસર માટે જરૂરી તમામ સૉફ્ટવેર સાધનો પોતાની જાતે વિકસાવ્યાં છે, એ કોઈ બાહ્ય કંપની પાસેથી કે વિદેશથી લેવામાં આવ્યાં નથી. એનાં બધાં સહાયક સૉફ્ટવેર ટૂલ્સ પણ દેશમાં બનાવવામાં આવ્યાં છે.