નરેન્દ્ર મોદી પાછા આવી ગયા

24 April, 2025 06:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને કહ્યું કે કોઈને બક્ષવામાં નહીં આવે, નાપાક એજન્ડા ક્યારેય સફળ નહીં થાય : આજે સવારે કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીની બેઠક

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

કાશ્મીરના પહલગામમાં ટૂરિસ્ટો પર અભૂતપૂર્વ આતંકવાદી અટૅક : આર્મી અને પોલીસના યુનિફૉર્મમાં આવ્યા ટેરરિસ્ટ, ટૂરિસ્ટોનાં નામ પૂછીને હિન્દુઓને ટાર્ગેટ કર્યા : મોદીને તમે માથે ચડાવ્યા છે, તમારા લીધે અમારો ધર્મ ખતરામાં આવી ગયો છે એવુંબધું બોલીને ૫૦ રાઉન્ડ ફાયરિંગ કરીને ૨૭ જણના જીવ લીધા, જીવ ગુમાવનારા લોકોમાં મોટા ભાગના પુરુષો : લશ્કર-એ-તય્યબાના ટેરર-ગ્રુપ ધ રેઝિસ્ટન્સ ફોર્સે લીધી હુમલાની જવાબદારી

સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા નરેન્દ્ર મોદીએ તેમની આ મુલાકાત ટૂંકાવી દીધી છે અને તેઓ ભારત પાછા ફરવાના છે. આજે વહેલી સવારે તેઓ દિલ્હી પહોંચી જશે. આજે સવારે તેમણે કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી (CCS) ની બેઠક બોલાવી છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘હું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાને વખોડું છું. જે લોકોએ તેમના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલદી ઠીક થઈ જાય. હુમલામાં પ્રભાવિત થયેલા લોકોને તમામ જરૂરી મદદ કરવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ હુમલાની પાછળ જે લોકો છે તેમને ન્યાયાલયના કઠેડામાં લાવવામાં આવશે. તેમને બક્ષવામાં નહીં આવે. તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવા માટે અમારો સંકલ્પ અડગ છે અને એ વધુ મજબૂત થશે.’

narendra modi saudi arabia terror attack kashmir jammu and kashmir news national news new delhi