પીએમ મોદીની જીંદ રેલી પર સંકટ! બોમ્બ બ્લાસ્ટની મળી ધમકી, બાંગ્લાદેશ સાથે છે કનેક્શન?

13 July, 2026 03:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

PM Narendra Modi`s Jind Rally Bomb Threat: ગુરુગ્રામમાં ઘણી શાળાઓ અને મીની સચિવાલયને ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે; ધમકીઓમાં ૧૭ જુલાઈના રોજ જીંદમાં યોજાનારી પીએમ નરેન્દ્ર મોદીની રેલીનો પણ ઉલ્લેખ કરાયો છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

ગુરુગ્રામ (Gurugram)ની ઘણી શાળાઓ અને મિની સચિવાલય (Mini Secretariat)ને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકીભર્યા ઈ-મેઈલમાં ૧૭ જુલાઈના રોજ જીંદમાં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની રેલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઈ-મેઈલ બાંગ્લાદેશ (Bangladesh)ના આઈપી (IP) એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો છે.

ગુરુગ્રામની સ્કૂલોને મળી બોમ્બની ધમકી

નવી દિલ્હી (New Delhi)ના ગુરુગ્રામની ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Gurugram Schools receive Bomb Threat Emails) ઈ-મેઈલ દ્વારા મળી છે. આ ઈ-મેઈલ દ્વારા ગુરુગ્રામમાં એમિટી સ્કૂલ, સાલવાન પબ્લિક સ્કૂલ, એરફોર્સ સ્કૂલ અને મિની સચિવાલયને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. આ માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

શાળાઓમાંથી બાળકો અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા

ધમકીભર્યા ઈ-મેઈલની માહિતી મળતાની સાથે જ ગુરુગ્રામ પોલીસ (Gurugram Police) પ્રશાસન તાત્કાલિક સક્રિય થયું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત પરિસરોમાંથી બાળકો અને સ્ટાફના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બાળકોની સુરક્ષાને અગ્રતા આપીને શાળાઓમાં વહેલી રજા જાહેર કરી દેવામાં આવી હતી અને તમામ બાળકોને તેમના વાલીઓ સાથે ઘરે મોકલી દેવાયા હતા. હાલમાં તમામ સ્થળો પર સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

બાંગ્લાદેશના આઈપી એડ્રેસ પરથી મોકલાયો ઈ-મેઈલ

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, ધમકી આપવા માટે જે ઈ-મેઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું આઈપી એડ્રેસ બાંગ્લાદેશનું છે.

આ મેઈલમાં માત્ર ગુરુગ્રામની શાળાઓ અને મિની સચિવાલયનો જ ઉલ્લેખ નથી, પરંતુ ૧૭ જુલાઈના રોજ હરિયાણા (Haryana)ના જીંદ (Jind)માં યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી (PM Narendra Modi`s Jind Rally receive Bomb Threat Emails) આપવામાં આવી છે.

ગુરુગ્રામ અને જીંદ પોલીસ એલર્ટ

આ ગંભીર ધમકી મળ્યા બાદ ગુરુગ્રામની સાથે-સાથે જીંદ પોલીસ (Jind Police)ને પણ હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવી છે. સાયબર સેલની મદદથી આ ઈ-મેઈલ મોકલનાર અજાણ્યા શખ્સની ભૌગોલિક સ્થિતિ અને ઓળખ શોધવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધીના સર્ચ ઓપરેશનમાં કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. સાવચેતીના ભાગરૂપે પોલીસે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દીધી છે.

ધમકીભર્યા ઈ-મેઈલ અંગેની તપાસ ચાલુ હોવાથી સત્તાવાળાઓએ પ્રભાવિત સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દીધી છે. અધિકારીઓએ લોકોને ન ગભરાવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે તેમજ આગામી કાર્યવાહી ચાલુ તપાસના નિષ્કર્ષોના આધારે કરવામાં આવશે.

narendra modi bomb threat gurugram new delhi haryana national news news